એપ આધારિત કેબ તથા રિક્ષા ચાલકોની આવતીકાલે હડતાલ

મુંબઈ આવી રહેલા પીએમનું ધ્યાન દોરવા એલાન
જાહેર પરિવહન પર તાણ વધવાની અને લોકોને ભારે અસુવિધા થવાની શક્યતા
મુંબઇ - રાજ્યમાં એપ આધારિત કેબ, ટેક્સી અને ઓટો રિક્ષા ડ્રાઇવરોએ રજૂ કરેલી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ ન થવાના વિરોધમા ગુરુવારે, નવમી તારીખે હડતાળનું એલાન કર્યું છે. ઇન્ડિયન ગીગ વર્કર્સ ફોરમે મુંબઇ ખાતે આવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માટે આ એકદિવસીય બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય પરિવહન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સ સામે કડક કાર્યવાહી કરવાની માગણી આ ડ્રાઇવરોએ કરી છે. ઇંધણ અને જાળવણી ખર્ચમાં ભારે વધારો થવાથી ડ્રાઇવરોની આવક ઓછી થઇ રહી છે. તેમના માટે કોઇ સામજિક સુરક્ષા નથી અને ફરિયાદના નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી. તેથી નવમી ઓક્ટોબરે ગીગ વર્કર્સ વધુ વેતન, વીમા લાભ, ભાડાનું પારદર્શક માળખું અને એપ કંપનીઓ દ્વારા ડ્રાઇવર એકાઉન્ટસના મનસ્વી સસ્પેન્શનનો અંત લાવવાની માગણી કરશે.
ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસે ઓલા, ઉબર અને રેપિડો આ ત્રણ કંપનીઓને તેમની એપ પર સરકારે નક્કી કરેલા દરો દર્શાવવા આદેશ આપ્યો હતો. આ કંપનીઓએ તેનો અમલ કર્યો નથી. ૧૫મી જુલાઇના રોજ કેબ, રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોએ પરિવહન વિભાગના ગેરવહીવટ સામે આઝાદ મેદાન ખાતે ભૂખ હડતાળ કરી હતી. ઉપરોક્ત ત્રણેય કંપનીઓ રાજ્યમાં ગેરકાયદેસર રીતે કાર્યરત છે, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. તેમની સામે ઘણા કેસ નોંધાયા હોવા છતાં ખાનગી ટુ-વ્હીલર પેસેન્જર સેવાઓ ચાલુ છે.
ભારતીય ગીગ કામદાર મંચના અધ્યક્ષ ડો. કેશવ ક્ષીરસાગરના જણાવ્યા અનુસાર પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે ૩૦મી સપ્ટેમ્બરે મુલાકાત માટે ઇન્કાર કર્યો હતો. તેના પગલે આંદોલનકારીઓએ જેલભરો આંદોલન યોજ્યું હતું. ત્યાર બાદ સીએમના સચિવે વિરોધકર્તાઓ અને પરિવહન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ઉકેલ શોધવાનો આદેશ આપ્યો હતો. જોકે હજી કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. ગીગ કામદારોનો આક્ષેપ છે કે પરિવહન પ્રધાન દ્વારા રેપિડો કંપની પાસેથી લેવામાં આવેલી સ્પોન્સરશિપને કારણે વિભાગના અધિકારીઓ કંપનીઓ સામે ઝૂકી રહ્યા છે.
જુલાઇમાં થયેલી હડતાળમાં મોટાભાગના ડ્રાઇવરોએ ભાગ લીધો હતો. ત્યારે નાગરિકોને ભારે હાલાંકી થઇ હતી. હવે ગુરુવારે દેશભરના નાણાકીય નિષ્ણાતો મુંબઇ આવી રહ્યા છે, વડા પ્રધાન પણ મુંબઇની મુલાકાત લે તેવી શક્યતા છે. તેથી તેમનું ધ્યાન દોરવા આ દિવસે બંધ પાળવાનો નિર્ણય વર્કર્સ ફોરમે લીધો છે. સાથે જ નાગરિકોને ભારે અસુવિધા થવાની શક્યતા છે. તેમજ જાહેર પરિવહન સેવાઓ પર ભારણ વધવાની સંભાવના છે.








