Mumbai

સ્વદેશમાં નિર્મિત વધુ એક યુદ્ધ-જહાજ નૌકાદળને સોંપવામાં આવ્યું

By GS TEAM
30 Nov 20251 min read
સ્વદેશમાં નિર્મિત વધુ એક યુદ્ધ-જહાજ નૌકાદળને સોંપવામાં આવ્યું

અત્યાધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ

મુંબઇના મઝગાંવ ડૉકમાં તૈયાર થયેલી નિલગીરી કલાસની ચોથી ફ્રિગેટ 'તારાગીરી' ટૂંક સમયમાં નૌકાકાફલામાં જોડાશે

મુંબઇ  -  સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતાની સાબીતી રૃપે સ્વદેશમાં નિર્મિત અને અત્યાધુનિક શસ્ત્ર-સરંજામથી  સજ્જ વધુ એક યુદ્ધજહાર નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. મુંબઇના મઝગાંવ ડોકમાં બાંધવામાં આવેલી નિલગીરી કલાસની ચોથી ફ્રિગેટ (મનવાર) તારાગીરી ગઇકાલે નેવીને સોંપવામાં આવી હતી. હવે નવી તરફથી આ ફ્રિગેટને વિધિવત નૌકાકાફલામાં સામેલ કરવામાં આવશે.

ભારતીય નૌકાદળમાં ૩૩ વર્ષની ઉજ્જવળ કામગીરી બાદ સેવાનિવૃત્ત કરવામાં આવેલી આઇએનએસ તારાગીરી ફ્રિગેટનું નામ આ નવી ફ્રિગેટને આપવામાં આવ્યું છે. છેલ્લા ૧૧ મહિનામાં ચોથી ફ્રિગેટ નેવીને સોંપવામાં આવી છે. ફ્રિગેટ એટલે નાના કદની અને અત્યંત ઝડપથી દરિયામાં ધસી જઇ શક્તી મનવાર પ્રચંડ મારક ક્ષમતા ધરાવે છે.

આ ફ્રિગેટ સરફેસ ટુ સરફેસ મિસાઇલ-બ્રહ્મોસ, ધાર્યું મિશન વિંધી શકતી તોપ અને ગન, રોકેટ, ટોરપીડો અને એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમથી સજ્જ છે. સ્વદેશમાં નિર્મિત આ યુદ્ધ-જહાજમાં ૭૫ ટકા શસ્ત્ર-સરંજામ અને સાધન-સામગ્રી ભારતની જ વાપરવામાં આવી છે. આ ફ્રિગેટને નૌકાકાફલામાં સામેલ કરવામાં આવ્યા પછી નેવીની તાકાતમાં વધારો થશે.