app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અનિલ દેશમુખની પુત્રી પૂજાએ સીબીઆઈ અહેવાલ લીક કરાવ્યો હતો

Updated: Nov 21st, 2023


પુત્રી-જમાઈ સહિત 4 સામે સીબીઆઈની પૂરક ચાર્જશીટ

દેશમુખે બાર-રેસ્ટોરાં પાસેથી કરોડોની ખંડણી મેળવવા કહ્યાના  પરમબીરના આક્ષેપોની તપાસ આડે પાટે ચઢાવવા કાવતરું રચ્યું હતું

મુંબઈ:  મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંઘે  એનસીપી નેતા તથા આઘાડી સરકારના તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પોતાને મુંબઈના બાર રેસ્ટોરાં પાસેથી કરોડો રુપિયાની ખંડણી મેળવવા કહ્યું હોવાના આક્ષેપો કર્યા બાદ તે અંગે શરુ થયેલી સીબીઆઈ તપાસમાં વાસ્તવમાં દેશમુખને ક્લિનચીટ આપી દેવાઈ છે તેવો રીપોર્ટ  દેશમુખની દીકરી પૂજા તથા જમાઈ રાહતે જ લીક કરાવ્યો હતો. સીબીઆઈએ ૨૦૨૧માં આ રીપોર્ટ લીક કરવાના કેસમાં હવે બે વર્ષ બાદ પૂજા તથા રાહત સહિત ચાર સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. 

આ ચાર્જશીટમાં  પૂજાને એક સહ કાવતરાંખોર ગણાવવામાં આવી છે. તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પૂજાએ  સીબીઆઈના સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીને આ ડ્રાફટ રીપોર્ટ લીક કરવા માટે લાંચ આપવાનું કાવતરું ઘડવા, સમગ્ર  દિશાનિર્દેશ આપવા તથા અમલ કરવા માટે જરુરી તમામ સહાય  તથા સાધનસામગ્રી પૂરી પાડવામાં દેશમુખના વકીલ આનંદદિલીપ ડાગાની મદદ કરી હતી. 

બોમ્બે હાઈકોર્ટના આદેશથી દેશમુખ સામે થયેલી તપાસને આડે પાટે ચઢાવી દેવાના ઈરાદાથી ૨૦૨૧ની ૨૯મી ઓગસ્ટે આ રીપોર્ટ મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો હતો. 

મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંઘે  આક્ષેપ કર્યો હતો કે અનિલ દેશમુખે મુંબઈના બાર તથા રેસ્ટોરાં પાસેથી કરોડો રુપિયાની ખંડણી મેળવવા જણાવ્યું હતું. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું. 

મીડિયામાં લીક કરાયેલા સીબીઆઈના રીપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે અનિલ દેશમુખ સામે નોંધી શકાય તેવો કોઈ ગુનો જણાયો નથી. સીબીઆઈએ આ રીપોર્ટ લીક કરવા બદલ અભિષેક તિવારી તથા એડવોકેટ આનંદ ડાગાની ધરપકડ કરી હતી. 

આ તપાસનાં બે વર્ષ બાદ હવે સીબીઆઈએ એક પૂરક ચાર્જશીટ ફાઈલ કરી છે. તેમાં પૂજા તથા રાહત ઉપરાંત દેશમુખના એક દૂરના સ્વજન વિક્રાંત દેશમુખ તથા  સત્યજીત વાયલને પણ સહ આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. 

જોકે, આ તમામ આરોપીઓનો દાવો છે કે તેમને આ આક્ષેપો સાથે કોઈ લેવાદેવા નથી અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. 

સીબીઆઈએ ચાર્જશીટ ફાઈલ કરતાં પહેલાં આ સહ આરોપીઓની પૂછપરછ કરી હતી પરંતુ તેમને ક્યારેય કસ્ટડીમાં લેવાયા નથી. 

સીબીઆઈએ આરોપીઓ દ્વારા થયેલા ઈમેઈલ વ્યવહારની તપાસ માટે સીબીઆઈ કોર્ટ મારફતે અમેરિકામાં લેટર રોગેટરી  ( કાનૂની  કામકાજ સંબંધિત વિનંતી પત્ર) પણ મોકલ્યા છે. 

સીબીઆઈ દ્વારા આ ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પૂજાએ તપાસને આડે પાટે ચઢાવવાના ઈરાદાથી સીબીઆઈ દ્વારા થયેલી તપાસના દસ્તાવેજો મેળવવા  તથા તેની તપાસના અહેવાલને લીક કરી દેવા માટે ડાગાને જણાવ્યું હતું. 

સીબીઆઈના આરોપ અનુસાર પૂજાએ  ડાગાન ેદેશમુખનું સોશિયલ મીડિયા હેન્ડલ કરતા વૈભવ ગજેન્દ્ર તામ્હણેને આ લીક્ડ રીપોર્ટ તથા તૈયાર કરાવાયેલાં પેમ્ફલેટ સહિતની કન્ટેન્ટ આપવા જણાવ્યું હતું જેથી તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી શકાય, મીડિયાને મોકલી શકાય અને તે રીતે દેશમુખની તરફેણમાં એક સમાંતર મીડિયા ટ્રાયલ ઊભી કરી શકાય. 

વ્હોટસ એપ, ગૂગલ ટેકઆઉટ પરથી પગેરું મળ્યું

સીબીઆઈના દાવા અનુસાર ટીમ એન્ડ એ તથા ઈનર સર્કલ નામનાં બે વ્હોટસ એપ ગૂ્રપ રચાયાં હતાં. તેમાં પૂજાએ સીબીઆઈ તપાસની વિરાધી સૂત્રો, ટ્વિટ્સ, ફોટો, હેન્ડઆઉટ વગેરે તૈયાર કરાવવા તથા પ્રિન્ટ કરાવવા માટે સૂચનાઓ આપી હતી. આ વ્હોટસ એપ ચેટ્સનાં એનાલિસીસના આધારે સીબીઆઈ એવાં તારણ પર આવી હતી કે દેશમુખ સામેના કેસની તપાસ માટે તિવારી પુણેના એચએએલ ગેસ્ટહાઉસમાં રોકાયો હતો ત્યાં પૂજાએ જ ડાગાને મોકલવાની વ્યવસ્થા કરી હતી.

પૂજાએ તેમના પરિવારની જ ઈનોવા કારમાં તેમનો ડ્રાઈવર કુંદન ડાગાને પુણે લઈ જાય તેવી વ્યવસ્થા કરી આપી હતી. 

ધ્યાનેશ્વર બંગલો ખાતેનાં એન્ટ્રી રજિસ્ટરની તપાસમાં પણ જણાયું હતું કે પૂજા સહિત સમગ્ર દેશમુખ પરિવાર દ્વારા આ કારનો નિયમિત રીતે ઉપયોગ કરાતો હતો. એચએએલ ગેસ્ટહાઊસની સિક્યુરિટીનાં રજિસ્ટરમાં પણ આ કાર નોંધાઈ હતી અને તેમા ંપણ ડ્રાઈવર તરીકે કુંદનનો ઉલ્લેખ છે. 

સીબીઆઈએ ડાગાના ગૂગલ ટેકઆઉટ મેળવ્યા હતા તેના પરથી પણ તેનો મુંબઈથી પુણેના એચએએલ ગેસ્ટહાઉસ સુધીનો પ્રવાસ કન્ફર્મ થયો હતો. 

સીબીઆઈના સબ ઈન્સ્પે.ને આઈફોનની લાંચ

તિવારીએ એક આઈફોન ટ્વેલ પ્રો હેન્ડસેટ મેળવી તેના બદલામાં તપાસ અહેવાલ લીક કરી દીધો હતો. 

સીબીઆઈના સબ ઈન્સ્પેક્ટર  તિવારીને રુપિયા ૯૫ હજારની કિંમતનો આઈફોન આપવામાં આવ્યો હતો. આ આઈફોન પુણેની એક દુકાનમાંથી સત્યજીત વાયલે ખરીદી આપ્યો હતો. સત્યજીત પાસેથી ફોન મેળવી ડાગા તેને આપવા માટે પુણે ગયો હતો.


Gujarat