અંધેરીના ઈમીટેશન જ્વેલરીના વ્યવસાયીએે સી લિંક પરથી ઝંપલાવ્યુ
અંધેરીના ઘરેથી સીલિંક માટે કેબ ભાડે લીધી
સાપ કરડયો હોવાની બૂમો પાડી કેબ ડ્રાઇવરને વાહન રોકવા કહ્યું, ડ્રાઈવર હજુ કાંઈ સમજે તે પહેલાં તો દરિયામાં ઝંપલાવી દીધું
મુંબઇ - અંધેરીના બિઝનેસમેન બાંદરા-વરલી સી લિંક પરથી કૂદીને જીવન ટૂંકાવી લીધું હતું. તેઓ કેબમાં સી લિંક પર આવ્યા હતા. પછી સાપ કરડયો હોવાની બૂમો પાડી કેબ રોકાવીને નીચે ઝંપલાવી દીધું હતું. મૃતક પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી નથી. પાણીમાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાંદરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર રવિન્દ્ર સાળુંખેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે પોલીસ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી. તેઓ કઇ બાબતથી હતાશામાં હતા એની તપાસ ચાલી રહી છે.
અંધેરી (પશ્ચિમ)માં રહેતા ૪૭ વર્ષીય અમિત ચોપરાનો ઇમિટેશન જવેલરીનો વ્યવસાય હતો. તેઓ અંધેરીથી કેબમાં બુધવારે રાતે અંદાજે બે વાગ્યે વાંદરા-વરલી સી લિંક પર આવ્યા હતા. પછી અચાનક બૂમો પાડવાનું શરૃ કર્યું કે તેમને સાપ કરડયો છે, તેમણે ડ્રાઇવરને વાહન રોકવાનું કહ્યું હતું. આથી ડ્રાઇવરે વાહન રોક્યું હતું. ત્યાર બાદ ચોપરા દરવાજો ખોલીને કેબમાંથી બહાર દોડી આવ્યા હતા. પછી સી લિંક પરથી નીચે કૂદકો મારી દીધો હતો.
આ ઘટના જોયા પછી ડ્રાઇવરે તાત્કાલિક સી-લિંક સિક્યુરિટી સ્ટાફ અને પોલીસને મામલાની જાણ કરી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ આદરી હતી. બીજી તરફ જૂહુ ચોપાટી નજીક સમુદ્રમાં પાણીમાં સવારે ચોપરાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાંતાક્રુઝ પોલીસ ફાયરબ્રિગેડે તપાસ માટે પહોંચી ગઇ હતી.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસને વધુ તપાસ માટે બાંદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.