નારાજ અજિત પવારનો 10 જ મિનીટમાં કેબિનેટમાંથી વોકઆઉટ
અજિતની ગેરહાજરીમાં અઢી કલાકથી વધુ બેઠક ચાલી
નવી નવી યોજનાઓ જાહેર કરવાથી તિજોરી પર વધતા બોજાની ફાઈનાન્સ ડિપાર્ટેમેન્ટની ચેતવણી અવગણવામાં આવી રહી હોવા મુદ્દે તડાફડી
જોકે, એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં જવા માટે ફલાઈટમાં મોડું થતું હોવાથી મીટિંગ છોડી દીધી હોવાનો અજિતનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટની ગઈકાલે મળેલી બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર બેઠક શરુ થયાની દસ જ મિનીટ બાદ વોકઆઉટ કરીને નીકળી ગયા હોવાનું ચર્ચાય છે. જોકે, અજિત પવારે પોતાને ફલાઈટ પકડવામાં વિલંબ થતો હોવાથી મીટિંગ છોડી હોવાનો બચાવ રજૂ કર્યો હતો.
ચર્ચા અનુસાર કેબિનેટમાં કોઈ પણ ઠરાવ કરતાં પહેલાં તેનો પૂર્વ પ્રસ્તાવ આવતો હોય છે. પરંતુ, કેટલાક સમયથી કેબિનેટમાં સીધા ટેબલ એજન્ડા તરીકે જ દરખાસ્તો રજૂ થઈ રહી છે. આ ઉપરાંત કેટલાય પ્રસ્તાવોમાં આડેધડ નાણાંકીય લ્હાણીઓની જાહેરાત થઈ રહી છે. અજિત પવાર ેઅગાઉ પણ આવી લ્હાણીઓ માટે સરકારી તિજોરીમાં પૂરતી જોગવાઈ નહીં હોવાના નાણાં ખાતાના વાંધાઓને ધ્યાને લેવા જણાવ્યું હતું. પરંતુ, સીએમ શિંદેએ તે માટે મચક આપી ન હતી.
ગુરુવારે અજિત જતા રહ્યા તે પછી પણ અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. તેમાં ૩૮ નિર્ણયો તો એવા લેવાયા હતા જે નાણાંકીય જોગવાઈ સંબંધિત હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં વિવિધ હાથ ધરાયેલી યોજનાથી સરકારનું બજેટ ખોરવાયું છે. આ નવી યોજનાઓથી સરકારી તિજોરી પર રૂ. ૯૬ હજાર કરોડથી વધુ બોજા થયો છે. એમાં તો માત્ર મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનામાં ૪૬ હજાર કરોડ રૂપિયાનો બહોજો વધી ગયો છે.
ચૂંટણી પહેલા સબસિડી, ગેરેન્ટી તેમ જ જમીનનો એલાટમેન્ટ બાબતે ધારાસભ્યો તથા અન્ય નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
નાણા વિભાગે પહેલા પણ ચેતવણી આપી હતી કે વર્ષ ૨૦૨૪-૨૫માં નાણાકીય ખાદ્ય બે લાખ કરોડથી વધી જશે.આ ખાધ ત્રણ ટકાની મર્યાદાને વળોટી જાય તેવી ધારણા છે.
જોકે, આ બધી ચર્ચાઓને ફગાવતાં અજિત પવારે એમ કહ્યું હતું કે મારે લાતુર ફલાઈટ પકડવામાં મોડું થતું હોવાથી હું નીકળી ગયો હતો. બીજું કોઈ કારણ નથી.