અમોલ પાલેકરની નાટકો પર પ્રી-સેન્સરશિપ સામેની અરજી પર દાયકા બાદ સુનાવણી થશે

2016 માં દાખલ અરજી પર આગામી પાંચ ડિસેમ્બરે સુનાવણી
અમોલ પાલેકરની રજૂઆતઃ હવે હું ૮૫ વર્ષનો થયો, અરજી પર કોઈ નિર્ણય આપોઃ હવે સેન્સર વિનાના ઓટીટીનો જમાનો આવી ગયો
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટ નાટકો પર પ્રિ સેન્સરશિપ લાદવાની એક્ટર અમોલ પાલેકરની અરજી પર લગભગ એક દાયકા બાદ સુનાવણી હાથ ધરશે. હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં અભિનેતા અમોલ પાલેકર દ્વારા કલાત્મક સ્વતંત્રતાના રક્ષણની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરાશે. અરજીમાં તેમણે દાવો કર્યોે હતો કે નાટકોની સ્ક્રિપ્ટોની પ્રી-સેન્સરશિપ ફરજિયાત કરતા નિયમોને લઈને કલાત્મક સ્વતંત્રતાનો ભંગ થઈ રહ્યો છે.
પાલેકરના વકીલે ન્યાયાધીશ રિયાઝ ચાગલા અને ફરહાન દુબાશની બેન્ચને ૨૦૧૬ માં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો આગ્રહ કર્યો હતો. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદાર (પાલેકર) હવે ૮૫ વર્ષના છે અને તેમની અરજી પર સકારાત્મક કે નકારાત્મક પરિણામ ઇચ્છે છે. કોર્ટે સંમતિ આપી અને કહ્યું કે તે પાંચ ડિસેમ્બરે અરજી પર સુનાવણી કરશે.
અભિનેતાના વકીલે કહ્યું કે મુદ્દો ફક્ત એ છે કે શું બોમ્બે પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ, પોલીસને નાટકો અને નાટકોની પ્રી-સેન્સરશિપનો અધિકાર છે. આપણે હવે એવા યુગમાં છીએ જ્યાં ઓટીટી પર શો અને સિરીઝોની કોઈ સેન્સરશીપ નથી,એમ વકિલે કહ્યું હતું.
સપ્ટેમ્બર ૨૦૧૭ માં, હાઇકોર્ટે પાલેકરની અરજી સ્વીકારી હતી પરંતુ ત્યારથી તેને ક્યારેય અંતિમ સુનાવણી માટે લેવામાં આવી ન હતી.
પાલેકરે પોતાની અરજીમાં એવા નિયમોને પડકાર્યા હતા જે મહારાષ્ટ્ર રાજ્ય પ્રદર્શન ચકાસણી બોર્ડ દ્વારા નાટકોની સ્ક્રિપ્ટોની પ્રી-સેન્સરશિપ ફરજિયાત બનાવે છે.
પોતાની અરજીમાં અભિનેતાએ કહ્યું છે કે નિયમો 'મનસ્વી' છે અને ભારતના બંધારણ હેઠળ બાંયધરીકૃત નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
બોમ્બે પોલીસ અધિનિયમ હેઠળ, પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષક જાહેર મનોરંજન સ્થળો (સિનેમા સિવાય) અને મેળા અને તમાશા સહિત જાહેર મનોરંજન માટેના પ્રદર્શનના લાઇસન્સ અને નિયંત્રણ માટે નિયમો બનાવી શકે છે.
આ નિયમો દ્વારા, જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર અથવા નૈતિકતાના હિતમાં નિયમન માટે, આવા પ્રદર્શન અને સ્ક્રિપ્ટની પૂર્વ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી હતી, ત્યારબાદ શરતોને આધીન પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. આ પ્રી-સેન્સરશીપ કલાત્મક સ્વતંત્રતા પર અંકુશ લાવે છે. આને કારણે, ઘણા ઐતિહાસિક નાટકો તેના મૂળ સ્વરૃપમાં રજૂ થયા નથી,એમ અરજીમાં કહેવામાં આવ્યું છે.

