Get The App

અમિતાભ, શાહરુખ, સલમાન, આમિર, સહિત સ્ટાર્સ દોડાદોડ સ્મશાને પહોંચ્યા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભ, શાહરુખ, સલમાન, આમિર, સહિત સ્ટાર્સ દોડાદોડ સ્મશાને પહોંચ્યા 1 - image

હેમા માલિની તથા પ્રકાશ કૌર અને તમામ સંતાનોની હાજરીમાં અંતિમવિધિ

બોલીવૂડના આંતરિક વર્તુૂળોમાં વ્યક્તિગત ધોરણે અવસાનનો મેસેજ પાઠવી  દેવાયોઃ ઘરે તથા સ્મશાન ખાતે જંગી પોલીસ બંદોબસ્ત

મુંબઇ -  બોલિવૂડના વિખ્યાત પીઢ ફિલ્મ સ્ટાર ૮૯ વર્ષના ધર્મેન્દ્રના અવસાન બાદ વિલે પાર્લેના પવનહંસ સ્મશાન ગૃહમાં પુત્ર સની દેઓલના હસ્તે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધર્મેન્દ્રનો સમગ્ર પરિવાર પ્રથમ પત્ની પ્રકાશ કૌર, બીજી પત્ની હેમામાલિની અને છ સંતાનો સની, બોબી, વિજેતા, અજિતા તથા હેમામાલિનીની પુત્રીઓ ઇશા અને અહાના ઉપસ્થિત હતા. 

ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આંમિરખાન, સલમાન ખાન, શબાના આઝમી, સલીમ ખાન, સલમાન ખાન, શાહરૃખ ખાન, સાયરા બાનુ, ગોવિંદા, સંજય દત્ત, અનિલ કપૂર, રણવીર-દિપિકા, સુસ્મિતાસેન, મનોજ બાજપેયી, અક્ષય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. 

આ ઉપરાંત બોલિવૂડની અનેક અગ્રણી હસ્તીઓ ધર્મન્દ્રને સોશ્યલ મિડિયા પર અંજલિ આપી હતી. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ તેમના શોકસંદેશ સોશ્યલ મિડિયા પર મુક્યા હતા. 

મોતની અફવા ઉડી તેના સત્તરમાં દિવસે અવસાન 

ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા એ સમયે તેમના નિધનની અફવા ઉડી હતી. એ સમયે હેમામાલિની અને દેઓલ પરિવારે પ્રસાર માધ્યમોની બેજવાબદારી સામે રોષ ઠાલવ્યો હતો. ધર્મેન્દ્રને બાર નવેમ્બરની સાંજે ઘરે લાવવામાં આવ્યા બાદ સની દેઓલ તેમના ઘરની બહાર મોજૂદ પાપારાઝીઓ સામે રોષ ઠોલવતાં બે હાથ જોડી જણાવ્યું હતું કે આપ લોગો કો શર્મ આની ચાહિયે. આપ કે ઘર મેં મા-બાપ હૈ, બચ્ચે હૈ આપ કે...એ પછી પખવાડિયા બાદ ધર્મેન્દ્રનું સોમવારે અવસાન થયું હતું. 

બપોરે એમ્બ્યુલન્સ સ્મશાને પહોંચી 

પવનહંસ સ્મશાનગૃહે બપોરે એમ્બ્યુલન્સ ધર્મેન્દ્રના નશ્વર દેહને લઇને પહોંચી ત્યાં સુધી તેમના અવસાન વિશે કોઇ ઔપચારિક જાહેરાત કરાઇ નહોતી. એમ્બ્યુલન્સના આગમન બાદ તરત જ બોલિવૂડની અગ્રણીઓ હસ્તીઓ એક પછી એક આવી પહોંચી હતી. પરિણામે એવી અટકળો વહેતી થઇ હતી કે અવસાનના સમાચાર બોલિવૂડમાં વ્યક્તિગત ધોરણે વહેલાં પાઠવી દેવામાં આવ્યા હશે. 

પોલીસે પવનહંસ સ્મશાનગૃહના દરવાજા બંધ કર્યાં 

ધર્મેન્દ્રના અવસાનના સમાચાર પ્રસરતાં જ તેના ચાહકોએ તસવીરો સાથે સ્મશાનની બહાર ભીડ જમાવી દીધી હતી. ધર્મેન્દ્રને અંજલિ આપવા લોકોની ભીડ વધવા માંડતા પોલીસે સ્મશાનગૃહના દરવાજાને તાળાં મારી દીધાં હતા. સ્મશાન ભણી જતાં ત્રણે રસ્તાઓ પર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 

ઘરની ફરતે કડક પોલીસ બંદોબસ્ત 

સોમવારે વહેલી સવારે ધર્મેન્દ્રના નિવાસસ્થાને એમ્બ્યુલન્સ દેખાતાં જ તેની તબિયતની ચિંતા પ્રસરી હતી. આ એમ્બ્યુલન્સની સાથે જ દેઓલ પરિવાર પણ પવનહંસ સ્મશાનગૃહે જવા રવાના થતાં ધર્મેન્દ્રના અવસાનના સમાચાર ફેલાઇ ગયા હતા. એ પછી તરત જ સોશિયલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મેન્દ્રના અવસાન સાથે એક યુગનો અંંત આવ્યો તેવી અંજલિ આપી હતી. દરમ્યાન પોલીસે ધર્મેન્દ્રના ઘરની ફરતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અનેક ચાહકો સ્મશાન પર પહોંચ્યા 

ટી.વી.માં ધર્મેન્દ્રના નિધનના સમાચાર વહેતા થવાની સાથે જ ચાહકોનો ધસારો વિલેપાર્લે સ્મશાન તરફ શરૃ થઇ ગયો હતો. ધર્મેન્દ્રની અંતિમવિધિ પ્રસંગે આવેલા  ફિલ્મસ્ટારો જોવા મળશે એવી લાલચને લીધે પણ ઘણાં સ્મશાને પહોંચી ગયા હતા. ધસારાને ટાળવા  સ્મશાનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં  હતા અને બહારના રસ્તે ટ્રાફિકનું નિયમન કરવા માટે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પંજાબના ચાહકો આટલા દિવસોથી રોકાઈ ગયા હતા

ધર્મેન્દ્રને છેલ્લે જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના કેટલાક ચાહકો પંજાબથી મુંબઇ આવ્યા હતા. ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી ઘરે લાવવામાં  આવ્યા પછી પણ કેટલાય ચાહકો પંજાબ પાછા ગયા નહોતા. આ બધા ચાહકો પોતાના માનીતા સ્ટાર અને મદદગારને અલવિદા કહેવા પહોંચ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે ધર્મેન્દ્ર પંજાબથી મદદની આશાએ આવતા લોકોને ક્યારેય નિરાશ નહોતા કરતા.