શનિ મંદિરમાં 500 કરોડના કૌભાંડની તપાસ વચ્ચે ડે. સીઈઓનો આપઘાત
આપઘાત કરનારા નીતિન શેટે અગાઉ ટ્રસ્ટી પણ હતા
શનિ શિંગણાપુરમાં પાંચ બનાવટી એપ દ્વારા કરોડોનું દાન મેળવી સગેવગે કરવા મુદ્દે તપાસ વચ્ચે નવો વળાંક
મુંબઇ - મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ શનિ- શિંગણાપુર દેવસ્થાનના ટ્રસ્ટીઓ દ્વારા પાંચ બનાવટી એપ દ્વારા દેશભરમાંથી ભક્તો પાસેથી દાન મેળવી આ નાણાં સગેવગે કરી ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવા બાબતે તપાસ ચાલી રહી છે તેવા સમયે જ આ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને હાલ દેવસ્થાનમાં ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા નીતિન શેટેએ તેમના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.જોકે, શેટેએ ચોક્કસ આ કૌભાંડને કારણે જ આત્મહત્યા કરી છે કે પછી અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ ચાલુ કરી છે.
દેવસ્થાનમાં થયેલા કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે ત્યારે ૪૩ વર્ષીય શેટેએ આ પ્રકારનું અંતિમ પગલું ભરતા ખળભળાટ મચી ગયો છે. જો કે સ્થાનિક એસ.પી. સોમનાથ ધાર્ગેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે શેટેને પોલીસે ક્યારેય પૂછપરછ માટે બોલાવ્યા નહોતા કે તેમને કોઇ સમન્સ પણ મોકલવામાં આવ્યું નહોતું.
શેટેના રુમમાંથી કોઈ પ્રતિભાવ ન મળતાં તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમણે પડોશીઓને બોલાવ્યા હતા. સૌએ રુમનો દરવાજો તોડયો ત્યારે તેમની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું હાથ ધરી શેટેના મૃતદેહનિે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શેટે પહેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૨૧થી તેઓ દેવસ્થાનમાં ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે કાર્યરત હતા. શેટે પાસેથી કોઇ સુસાઇડ નોટ ન મળી આવતા તેમની આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરાયું છે.
હજી થોડા સમય પહેલાં જ પૂરાં થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ અધિવેશનમાં મુંબઇમાં શનિ- શિંગણાપુર દેવસ્થાનમાં ૫૦૦ કરોડ રૃપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિધાન સભાના ધારા સભ્ય વિઠ્ઠલ લંઘે અને સુરેશ ધસે કર્યો હતો. પાંચ બનાવટી એપ દ્વારા દેશભરના લાખો ભક્તો સાથે લૂંટ કરવામાં આવી હોવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. ત્યારબાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દાની ગંભીર નોંધ લઇ ફોજદારી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ મુંબઇ ચેરિટી કમિશ્નર ઓફિસે તપાસ શરૃ કરી હતી. આ સાથે જ દેવસ્થાનના ટ્રસ્ટીઓને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. આહિલ્યાનગર પોલીસના સાયબર વિભાગે સ્વયં ફરિયાદી બની ગુનો નોંધાવ્યો અને બનાવટી એપ પ્રકરણે તપાસ હાથ ધરી હતી.
દેવસ્થાનના ટ્રસ્ટીઓને ચેરિટી કમિશ્નરે તેમનો પક્ષ રજૂ કરવાની મુદ્દત વધારીને પહેલી ઓગસ્ટ કરી આપી છે. આ દરમિયાન શેટેએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ છે.