માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં 17 વર્ષે તમામ સાત આરોપી નિર્દોષ જાહેર
2008 ના 'ભગવા આતંકવાદ' નામે ઓળખાયેલા ધડાકામાં છનાં મોત, ૧૦૧ ઘાયલ થયેલા
આતંકવાદને ધર્મ નથી હોતો, પણ માત્ર ધારણાને આધારે કસૂરાર ઠેરવી શકાય નહીંઃ નક્કર વિશ્વાસપાત્ર પુરાવાના અભાવે ભાજપના માજી સાંસદ પ્રજ્ઞાાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ પુરોહિત સહિત સાત આરોપીનો છૂટકારો
મુંબઈ - મહારાષ્ટ્રના સંવેદનશીલ ગણાતા માલેગાંવ શેહરમાં ૧૭ વર્ષ પૂર્વે છનાં મોત અને સોથી વધુને ગંભીર ઘાયલ કરનારા બોમ્બ ધડાકાના કેસમાં વિશેષ એનઆઈએ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ પ્રસાદ પુરોહિત સહિત સાતે આરોપીને મુક્ત કરતો ચુકાદો આપ્યો છે. કોર્ટે નોંધ કરી હતી કે આધારભૂત કે નક્કર પુરાવા રજૂ થઈ શક્યા નથી. કોર્ટે ચુકાદામાં નોંધ કરી હતી કે આતંકવાદનોે કોઈ ધર્મ નથી હોતો, કોઈ ધર્મ હિંસા શીખવતો નથી, પરંતુ માત્ર ધારણાને આધારે કસૂરવાર ઠેરવી શકાય નહીં.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના કેસ હાથ ધરતા વિશેષ જજ એ. કે. લાહોટીએ ચુકાદામાં જણાવ્યું હતું કે માત્ર શંકા ખરા પુરાવાનું સ્થાન લઈ શકે નહીં, આથી કોઈ નક્કર પુરાવાના અભાવે આરોપીઓને શંકાલો લાભ આપવો જરૃરી છે. આરોપીઓને કસૂરવાર જાહેર કરવા માટે રજૂ કરાયેલા એકંદર પુરાવાથી કોર્ટને વિશ્વાસ બેઠો નથી, એમ કોર્ટે ચુકાદો વાંચતી વખતે જણાવ્યું હતું. કોર્ટે નોંધ કરી હતી કે ફરિયાદી પક્ષે બોમ્બ ધડાકો થયાનું પુરવાર કર્યું છે પણ મોટરસાઈકલમાં વિસ્ફોટક રખાયું હોવાનું પ્રસ્થાપિત કરી શક્યો નથી. જે મોટરસાઈકલમાં વિસ્ફોટ થયો હોત એ આરોપી પ્રજ્ઞાા સિંહ ઠાકુરના નામે રજિસ્ટર્ડ હોવાનું પુરવાર થઈ શક્યું નથી.
યુએપીઓની મંજૂરી વગરવિચાર્યે અપાયાની નોધ
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પરોહિતે પોતાના ઘરમાં વિસ્ફોટક સંઘરી રાખ્યો હોય અથવા બોમ્બ બનાવ્યો હોય અથવા તેનું પરિવહન કર્યું હોય એવું પુરાવા પરથી પુરવાર થતું નથી. કોર્ટે ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે ગેરકાયદે પ્રવૃત્તિ નાવરણ કાયદો (યુએપીએ)ની જોગવાઈ આ કેસને લાગુ થતી નથી. આ માટેની મંજૂરી વગરવિચાર્યે આપવામાં આવી છે. ફરિયાદી પક્ષના કેસમાં અને તપાસમાં અનેક છટકબારીઓ છે.
ભોપાલ અને નાશિકમાં અનેક બેઠકોમાં આરોપીઓ હાજર હોવાનો ફરિયાદી પક્ષનો દાવો છે પણ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ સાક્ષીદારે આ વાતને સમર્થન આપ્યું નથી. જમણેરી શાખાના જૂથ અભિનવ ભારત દ્વારા પૈસા વિતરીત કરવામાં આવ્યા હોવાનો પુરાવો છે પણ તેનો ઉપયોગ આંકવાદી પ્રવૃત્તિ માટે થયો હોવાનું પુરવાર નથી થતું.આ રકમ પુરોહિતે ઘર બાંધવા વાપર્યા હોવાનું જણાય છે.
મૃતકોને બે લાખ, ઘાયલોને ૫૦૦૦૦ નું વળતર
ધડાકામાં મૃત્યુ પામેલા છ જણના પરિવારને દરકેને રૃ. બે લાખ અને ૧૦૧ ઘાયલોને દરેકને રૃ. ૫૦ હજારની રકમ વળતર પેટે આપવાનો નિર્દેશ આપ્યો છે.તમામ આરોપીઓ સામે યુએપીએની જોગવાઈ અને ભારતીય દંડ સંહિતા તથા શસ્ત્ર કાયદા હેઠળ આરોપો મૂકાયા હતા. ફરિયાદી પક્ષના દાવા અનુસાર જમણેની અંતિમવાદીઓએ મુસ્લિમ સમુદાયમાં દહેશત ફેલાવવાના ઈરાદે બ્લાસ્ટ કરાવ્યો હતો. ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈથી ૨૦૦ કિ.મી.ના અંતરે આવેલા માલેગાંવ શહેરની મસ્જિદની નજીક રમઝાન મહિના દરમ્યાન મોટરસાઈકલમાં બાંધેલા બોમ્બનો વિસ્ફોટ થતાં છના મોત થયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.
માજી સાંસદ, લેફ્ટનન્ટ કર્નલ જેવા હાઈપોર્ફાઈલ આરોપીઓ
મુંબઈ તા. ૩૧
ઠાકુર અને પુરોહિત ઉપરાંત કેસના અન્ય મુક્ત કરાયેલા આરોપીઓમાં મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), અજય રાહિરકર, સુધાકર દ્વીવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે.કોર્ટે મુક્તિ આપતાં સાતે આરોપીઓના ચહેરા ખિલી ઉઠયા હતા. જજ અને વિકલોનો આભાર માન્યો હતો.
સાધ્વિ પ્રજ્ઞાા ઠાકુરને અગાઉ ક્લિન ચિટ મળેલી
મુંબઈ, તા. ૩૧
કેસની સુનાવણી ૨૦૧૮માં શરૃ થઈ હતી અને ૧૯ એપ્રિલે સંપન્ન થઈ હતી. કેસની તપાસ શરૃઆતમાં એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા કરવામાં આવી હતી જેમાં જમણેરી અંતિમવાદીઓ 'અભિનવ ભારત જૂથ'ના સભ્યોને દોષિત ગણાવ્યા હતા. કેસની તપાસ બાદમાં એનઆઈએને સોંપાઈ હતી જેણે ઠાકુરને ક્લિન ચીટ આપી હતી, પણ કોર્ટે જણાવ્યું હતું કે તેની સામે પ્રથમદર્શી પુરાવા છે આથી કેસ ચલાવો પડશે. કેસમાં ૩૨૩ સાક્ષીદારો હતો જેમાંથી ૩૭ સાક્ષી ફરી ગયા હતા.
ચુકાદા વિશે ઠાકુરે જણાવ્યું હતું કે મુક્તિનો ચુકાદો મારા માટે જ નહીં પણ ભગવાનો પણ વિજય છે. ભગવાકી વિજય હુઈ હૈ, એમ તેમણ ેજણાવ્યું હતું.
ઠાકુરે પોતાની ૧૭ વર્ષની જિંદગી બરબાદ થઈ છે અને જેણે ભગવાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે તેને ભગવાન સજા કરશે એમ જણાવ્યું હતું.