ડેટા સ્ટોરેજના પૈસા ખર્ચવાને બદલે બોર્ડ પોતાનું ડેટા સેન્ટર બનાવશે
એસએસસી અને એચએસસીના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરાશે, ૧૯૯૦ બાદનો ડેટા પહેલેથી જ ઓનલાઈન ઉપલબ્ધ, વિદ્યાર્થીઓને લાભ થશે
મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (મહારાષ્ટ્ર બોર્ડ)એ પુણેમાં પોતાનું સ્વતંત્ર ડેટા સેન્ટર સ્થાપવાની અને ૧૯૬૫થી અત્યાર સુધીના એસએસસી તથા એચએસસીના વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટલ સ્વરૃપમાં રૃપાંતરિત કરવાની યોજના જાહેર કરી છે. હાલમાં બોર્ડ બાહ્ય એજન્સીઓ દ્વારા સંચાલિત ભાડાના ડિજિટલ સ્ટોરેજ પર નિર્ભર છે, જેના માટે દર વર્ષે કરોડો રૃપિયાનો ખર્ચ થાય છે. નવા પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓની તમામ માહિતી બોર્ડની પોતાની ડિજિટલ વ્યવસ્થામાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે.
બોર્ડના અધ્યક્ષ ત્રિગુણ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવસટીના સહયોગ અને સીએસઆર ફંડિંગ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત ડેટા સેન્ટરમાં પુણે, મુંબઈ, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, નાસિક, કોલ્હાપુર, અમરાવતી, લાતુર અને કોંકણ સહિત તમામ નવ વિભાગીય બોર્ડના રેકોર્ડ એકત્રિત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી એક વર્ષની અંદર આ સુવિધા કાર્યરત થવાની સંભાવના છે.
બોર્ડ ૧૯૬૫થી ૧૯૯૦ દરમિયાનના જૂના કાગળ આધારિત રેકોર્ડને પણ ડિજિટલ બનાવશે. હાલ આ દસ્તાવેજો મોટા રજીસ્ટરોમાં સંગ્રહિત છે અને સમય જતાં ખરાબ થવાનો ભય છે. આ માટે વિશેષ એજન્સીની નિમણૂક કરીને દસ્તાવેજોને સ્કેન કરી સુરક્ષિત ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ડીએમએસ)માં અપલોડ કરવામાં આવશે. બોર્ડના જણાવ્યા અનુસાર ૧૯૯૦ પછીના રેકોર્ડ પહેલેથી જ ડિજિટલ સ્વરૃપમાં ઉપલબ્ધ છે, પરંતુ હવે તમામ માહિતી એકીકૃત સિસ્ટમમાં સામેલ કરાશે જેથી માર્કશીટ અને પ્રમાણપત્રોની ચકાસણી વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બની શકે.


