મુંબઈ તથા થાણેની તમામ મેટ્રો. કોર્ટોમાં વકીલો કામકાજથી અળગા રહ્યા
કાંદિવલીમાં પોલીસે તુમાખી દાખવી ગુજરાતી વકીલને લાફા ઝિંક્યા
મુંબઈ પોલીસે તપાસના આદેશ કર્યા, સંબંધિત આસિ. પીઆઈની બદલી પણ કરી દીધીઃ વકીલોની આંદોલન ઉગ્ર બનાવવાની ચિમકી
મુંબઇ : એક્સિડન્ટના એક કેસમાં જામીનની પ્રક્રિયા માટે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ગયેલા એક ગુજરાતી વકીલ પૃથ્વીરાજ ઝાલાની એક પોલીસ અધિકારીએ મારપીટ કરતા બોરીવલી કોર્ટના વકીલો વિફર્યા હતા અને આ ઘટનાનો વિરોધ દર્શાવી એક દિવસનો બંધ પાળ્યો હતો. આ વાતની જાણ થતા બાંદ્રા, મઝગાંવ, દાદર, ઉલ્હાસનગર, અંધેરીના બાર એસોસિએશનના સભ્યોએ પણ ટેકો જાહેર કરી અદાલતી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે અને આજે પણ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. દરમિયાન આ બનાવને પગલે મુંબઈ પોલીસે તપાસના આદેશો આપ્યા છે અને સંબંધિત પોલીસ અધિકારીની અન્ય કચેરીમાં બદલી કરી દેવામાં આવી છે.
આ સંદર્ભે બધુ વિગતાનુસાર બોરીવલીની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ગુજરાતી વકીલ પૃથ્વીરાજ ઝાલા મંગળવારે રાત્રે એક્સિડેન્ટના એખ કેસમાં જામીનની પ્રક્રિયા માટે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. આ સમયે તેમને એક અધિકારીએ મળવા કેબિનમાં બોલાવ્યા હતા તેથી તેઓ કેબિનમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં પ્લેન કલોથમાં બેસેલા આસીસ્ટન પોલીસ ઇન્સ્પેકટર અનંત ગીતેએ ઝાલાને કારણવગર લાફોઝીંકી દીધો હતો. ઝાલાએ પોતે વકીલ હોવાનું કહેતા ગીતે વધુ ઉશ્કેરાયો હતો અને વધુ લાફા ઝીંકી દીધા હતા.
આ ઘટનાની જાણ અન્ય વકીલોને થતા તેઓ પણ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા અને અહીંના સિનિયર ઇન્સ્પેકટર જાધવને આ વાતની ફરિયાદ કરી હતી. જાધવે આ ઘટના બાબતે માફી માગી હતી પણ ગીતેએ માફી માગવાનું નકારી દીધું હતું. ત્યાર બાદ આ ઘટના બાબતે પોલીસના ઉચ્ચાધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટનાના વિરોધમાં બોરીવલી કોર્ટના વકીલોએ ગુરુવારે કામ બંધ રાખ્યું હતું. આ ઘટનાના મોટા પાયે પડઘા પડતા સ્થાનિક ડીસીપીએ આ બાબતે તપાસ હાથ ધરવાની ખાતરી આપી હતી.
આ ઘટના બાદ મુંબઇ તેમજ થાણે જિલ્લાના વકીલોએ પણ વકીલની મારપીટ કરવામાં આવી હોવાથી શુક્રવારે એક દિવસ કામ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે બાંદ્રા, મંઝગાંવ, દાદર, અંધેરી, ઉલ્હાસનગર, કલ્યાણ ભિંવીડ કોર્ટના વકીલોએ પણ ટેકો જાહેર કરી આજે એક દિવસ પ્રેક્ટિસ બંધ રાખી હતી.
આ સંદર્ભે બોરીવલીની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડ. દિલીપ બેદીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે ગુરુવારે અને આજે પણ અમે અમારું કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. ઉચ્ચાધિકારીઓ પણ ગીતે સામે કાર્યવાહી બાબતે ઠાગાઠૈયા કરી રહ્યા છે. આજે તો મુંબઇ અને થાણે જિલ્લાની તમામ મેટ્રોપોલિટન કોર્ટના વકીલોએ બંધ પાળ્યો હતો. જો ગીતે સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમારું આંદોલન હજી તીવ્ર થશે. આ સિવાય વકીલોને સંરક્ષણ પુરું પાડતો એડવોટ પ્રોટેક્શન એક્ટ પણ રાજ્યમાં અમલી કરવામાં આવે તેવી અમારી માગણી છે.