5મી જાન્યુઆરીથી સીએની તમામ પરીક્ષાઓ શરુ થશે

આઈસીએઆઈએ તારીખો જાહેર કરી
ત્રીજી નવે. સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે; ૧૪ જાન્યુ.એ કોઈ પરીક્ષા નહીં થાય
મુંબઇ - હજી હાલમાં સીએની પરીક્ષા પૂર્ણ થયાને બે દિવસ નથી થયા ત્યાં ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)એ જાન્યુઆરી ૨૦૨૬ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. આ પરીક્ષા પાંચમી જાન્યુઆરી ૨૦૨૬ થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. તે માટે ત્રીજી નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
આઈસીએઆઈએ જાન્યુઆરી ૨૦૨૬માં થનારી સીએ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે, જે આ પ્રમાણે છે. સીએ ફાઈનલ ગુ્રપ-૧ની પરીક્ષા ૫, ૭, ૯ જાન્યુઆરી ૨૦૨૬, સીએ ફાઈનલ ગુ્રપ-૨ પરીક્ષા ૧૧, ૧૩, ૧૬ જાન્યુઆરીએ, સીએ ઈન્ટરમીડિએટ ગુ્રપ-૧ની પરીક્ષા ૬, ૮ અને ૧૦ જાન્યુઆરીએ તેમજ સીએ ઈન્ટરમીડિએટ ગુ્રપ-૨ની પરીક્ષા ૧૨, ૧૫ અને ૧૭ જાન્યુઆરીએ થશે. તો સીએ ફાઉન્ડેશનની પરીક્ષા ૧૮, ૨૦, ૨૨ અને ૨૪મી જાન્યુઆરીએ થશે.
આઈસીએઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મકરસંક્રાંતિ, માઘ બિહૂ અને પોંગલને લીધે ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ (બુધવાર)ના રોજ કોઈ પરીક્ષા નહીં થાય. પરીક્ષાના દિવસે કોઈપણ કારણસર સાર્વજનિક રજા હશે તો પણ ટાઈમટેબલ બદલાશે નહીં. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયથી ૧૫ મિનીટ પહેલાં પ્રશ્નપત્ર વાંચવા મળશે.
આઈસીએઆઈ સભ્યો માટે પોસ્ટ ક્વૉલિફિકેશન કોર્સ પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઈ છે. પોસ્ટ ક્વૉલિફિકેશન કોર્સેસમાં ઈન્ટરનેશનલ ટેક્સેશન - અસેસમેન્ટ ટેસ્ટ અને ઈન્શ્યુરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ટેક્નિકલ પરીક્ષાનો સમાવેશ છે. આ પરીક્ષાઓ ૯ થી ૧૬ જાન્યુઆરી વચ્ચે થશે.








