અભિનેતા અક્ષય કુમારની પુત્રીને ઓનલાઇન ગેમ રમતી વખતે નગ્ન ફોટા મોકલવાનું કહેવાયેલું

કિશોરવયની પુત્રીએ હોશિયારી બતાવી ડિવાઇસ બંધ કરી દીધું
અક્ષયકુમારે સ્વય સાયબર સુરક્ષા જાગૃતિના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ફડણવીસ અને ટોચના પોલીસ અધિકારી સમક્ષ ઘટના શેર કરી
મુંબઇ: બોલીવૂડના ટોચના સ્ટાર અક્ષયકુમારે આજે કહ્યું હતું કે તેમની કિશોરવયની પુત્રીને તેના મોબાઇલ પર ઓનલાઇન વીડિયો ગેમ રમતી વખતે તેનો નગ્ન ફોટો મોકલવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે હોશિયારી અને સમયસૂચકતા દાખવી તરત ડિવાઇસ બંધ કરી દીધુ હતું. અભિનેતાએ મુંબઇમાં એક સાયબર સુરક્ષા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ટોચના પોલીસ અધિકારીઓ સહિત પ્રેક્ષકો સમક્ષ આ ચોંકાવનારી ઘટના શેર કરી હતી.
આ સમગ્ર ઘટના વિશે વધુ વિગત આપતા અક્ષયકુમારે કહ્યું હતું કે તેમની કિશોર-વયની પુત્રી થોડા મહિના પહેલા ઓનલાઇન વીડિયોગેમ રમી રહી હતી ત્યારે તેનો સામનો એક અજાણ્યા વ્યક્તિ સાથે થયો હતો. શરૂઆતમાં આ વ્યક્તિએ મૈત્રીપૂર્ણ અને પ્રોત્સાહક મેસેજ મોકલ્યા હતા. જોકે પછી અચાનક આ વ્યક્તિએ તેને તેના નગ્ન ફોટા મોકલવાનું કહ્યું હતું. અક્ષયકુમારે આગળ જણાવ્યું હતું કે તેની પુત્રીએ તરત હોશિયારી બતાવી તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. તેણે તરત જ આ વાતની જાણ તેની માતાને કરી તેની સાથે શું થયું હતું તેની જાણકારી આપી હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીની સતર્કતાએ તેને સાયબર ગુનેગારોનો શિકાર બનતા બચાવી લીધી હતી.
દક્ષિણ મુંબઇમાં રાજ્ય પોલીસ મુખ્યાલયમાં 'સાયબર અવેરનેસ મંથ'નું ઉદ્ધાટન કર્યા બાદ બોલતા અક્ષયકુમારે ફડણવીસને વિનંતી કરી હતી કે રાજ્યના ધોરણ ૭ થી ૧૦ના વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં સાયબર જાગૃતિ વિશે શિખવવામાં આવે તે પર ભાર મૂકવાનું કહ્યું હતું. અક્ષય કુમારે જણાવ્યું હતું કે શરૂઆતમાં સામેવાળી અજાણી વ્યક્તિએ તે ક્યાંથી છે અને સ્ત્રી છે કે પુરુષ છે તે જાણી લીધું હતું અને શરૂઆતમાં મૈત્રીપૂર્ણ અને પ્રોત્સાહક મેસેજ મોકલી થોડા સમય બાદ તે વ્યક્તિએ તેને તેના નગ્ન ફોટા મોકલવા કહ્યું હતું. ત્યાર બાદ તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો. આ બાબતે અક્ષયકુમારે આગળ જણાવ્યું હતું કે આ સાયબર ક્રાઇમનો એક ભાગ છે, જ્યાં બાળકો ભટકી જાય છે કેટલાક કિસ્સાઓમાં લોકોને છેડતી અને શોષણનો સામનો કરવો પડે છે. આવી ઘણી ઘટનાઓ બની છે. આ ઉપરાંત એવા કિસ્સાઓ પણ બન્યા છે જેમાં પીડિત વ્યક્તિએ જીવનનો અંત પણ લાવી દીધો છે. તેવું અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું. અભિનેતાએ આગળ જણાવ્યું હતું કે શાળામાં આપણે ઇતિહાસ અને ગણિત શીખીએ છીએ. આપણે બે વત્તા બે એટલે ચાર પણ શીખીએ છીએ. પરંતુ સાયબર વિશ્વમાં ચાર સૂન્ય બની શકે છે. તેથી આપણા બાળકોએ આ બધુ પણ જાણવું અને શીખવું જોઇએ અનેતેનો કેમ સામનો કરવો જોઇએ તેની પણ જાણકારી તેમને હોય તે જરૂરી છે.
અક્ષયકુમારે આગળ જણાવ્યું હતું કે 'હું મુખ્યમંત્રીને વિનંતી કરવા માંગુ છુ કે મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ ૭ થી ૧૦ સુધી સાયબર સલામતી વિષય પર એક સાપ્તાહિક પિરિયડ પણ હોવો જોઇએ. તેણે આગળ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ શેરીના ગુના કરતા પણ મોટો છે અને આપણે તેને અટકાવવો પડશે.'









