પુણે કોરેગાંવ પાર્કના પોશ વિસ્તારમાં પાર્થની અમેડિયા એન્ટરપ્રાઈઝના નામે સોદો
1800 કરોડની સરકારી જમીન ફક્ત ૩૦૦ કરોડ રુપિયામાં અજિતના પુત્રને પધરાવી દેવાઈ ઃ ફક્ત ૫૦૦ રુપિયાની મામૂલી સ્ટેમ્પ ડયૂટી વસૂલાઈ
સરકારી જમીન વેચાણપાત્ર નહિ હોવા છતાં પણ પાર્થ પવાર તથા ભાગીદારોને કેવી રીતે વેચાણ થયું - સ્ટેમ્પ ડયૂટી માફી કોણે નક્કી કરી જેવા સવાલોઃ મહાયુતિ સરકાર ભીંસમાં
મુંબઈ - મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારે ૩૦૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યાના આક્ષેપોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં ૧૮૦૦ કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત ૩૦૦ કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત ૫૦૦ રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા છે અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં ૩૦૦ કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રી સરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. ૩૦૦ કરોડના સોદા પર ૨૧ કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે ફક્ત ૫૦૦ રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા પ્રશ્નો પણ થયા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેરવ્યવહારોના સંકેત મળ્યા બાદ પુણે તહસીલદાર સૂર્યકાંત યેવલેને તેમજ સબ રજીસ્ટારને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહિ આ પ્રકારના જમીન સોદાના વ્યવહારની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જમીન સોદા અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રકરણની સંપૂર્ણ માહિતી મહેસૂલ વિભાગ, આઇ.જી.આર અને લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મંગાવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલીક ગંભીર બાબત સામે આવી છે. જો આ મામલે ક્યાંય અનિયમિતતા થયેલી મળી આવશે તો તેની સામે કઠોર કાર્યવાહી થશે.
રાજ્યના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન રવિન્દ્ર બિનવાડેએ જણાવ્યું હતું કે સરકારી જમીન એક ખાનગી કંપનીને કેવી રીતે વેચાઈ અને સ્ટેમ્પ ડયૂટી માફી કેવી રીતે અપાઈ તેની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી રચવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજો સબમીટ કરાયા હતા, સ્ટેમ્પ ડયૂટી મુક્તિ માટે કયા દસ્તાવેજો અપાયા હતા વગેરે બાબતોની તપાસ કરાશે. સરકારી જમીન હોય તો રજિસ્ટ્રેશન થવું જ ન જોઈએ આથી આ દસ્તાવેજ રજિસ્ટર કરવા બદલ અમે સબ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફકૌભાંડની વિગતો ફરતી થયા બાદ મુખ્યમંત્રીની સૂચના અનુસાર બપોરે તપાસનો આદેશ આપ્યા બાદ લગભગ બે કલાકમાં તહસીલદારને સસ્પેન્ડ કર્યા હતા.
સીએમના આદેશ અનુસાર આ મામલે એડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખારગેના અધ્યક્ષતા હેઠળ એક સ્પેશિયલ તપાસ સમિતિની સ્થાપના કરવામાં આવશે. તેઓ ઝીણવટભરી દસ્તાવેજોની ચકાસણી અને જમીન વ્યવહારની પ્રક્રિયા પર તપાસ કરાશે. જાણવા મળ્યું છે કે ૭/૧૨ના ઉતારામાં સરકારના નામે છે. પ્રોપર્ટીમાં જમીન માલિકોના નામ છે. જેમણે તેને ખાનગી પેઢીને વેચી દીધી હતી. જેમાં પાર્થ પવાર, વિજય પાટીલ ામે નોંધણી થઇ છે.
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ દેખાય છે કે જમીનના મૂળ માલિક અને સરકારની સાથે છેતરપિંડી કરીને જમીન વેચાઇ છે. આ માટે સરકારી નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થયો છે. આ વ્યવહાર માટે માત્ર રૃા. ૫૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરાઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલે કે અહીં પ્રક્રિયા ગેરકાયદેસર થઇ છે, એવું જાણવા મળ્યું છે.
અમેડિયા એન્ટરપ્રાઈઝ કંપની પાર્થ પવારના પુણેના સરનામે નોંધાયેલી છે. પવાર ઉપરાંત તેમના ભાગીદાર દિગ્વિજય પાટીલનું નામ પણ વેચાણ દસ્તાવેજ પર છે.
ગંભીર કેસ છે, પૂરતી તપાસ કરશું ઃ ફડણવીસ
આ કૌભાંડ પ્રકાશમાં આવતાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશો આપ્યા હતા. તેમણે કહ્યુ ંહતું કે પ્રથમ દ્રષ્ટિએ જ આ ગંભીર કેસ લાગે છે. અમે પૂરતી તપાસ કરશું. મેં સંબધિત વિભાગો પાસેથી તમામ માહિતી મગાવી છે. તપાસના આદેશો અપાયા છે. પૂરતી વિગતો મળ્યા બાદ સંબધિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે.
જો કે આ કૌભાંડમાં કોઇને મદદ કરાશે નહીં. નિયમ તોડનારો ગમે તેટલો મોટી વ્યક્તિ હશે પણ તેની સામે આકરા પગલા લેવાશે.
સંતાનો પોતાની રીતે બિઝનેસ કરે, મને ખબર નથી ઃ અજિત પવાર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે આ મુદ્દે મને કશી ખબર નથી. મારે આ સોદા સાથે કોઈ નિસ્બત નથી. તેમણે કહ્યું હતું કે જે કાંઈ અહેવાલો ચાલી રહ્યા છે તે વિશે
ઉદય સામંતે પાર્થનો બચાવ કર્યો
આ મામલે ઉદ્યોગ મંત્રી ઉદય સાંમતે કહ્યું કે પાર્થ પવારના દસ્તાવેજો વ્યવસ્થિત છે. મેં તેમની સાથે વાત કરી છે. તેઓ બધા આરોપોનો જવાબ આપશે. મારા વિભાગે તેમની કંપનીને આપવામાં આવેલા પ્રોત્સાહનો અને માફી સાથે કોઇ લેવા દેવા નથી. જમીન એમ.આઇ.ડી.સી.ની નથી. તે સરકારની છે કે અન્ય કોઇ સત્તાવાળાની છે. તેની તપાસ જરૃરી છે. એમ કહીને મંત્રીએ ઉમેર્યું કે કેબિનેટ સબ- કમિટી માફી અને પ્રોત્સાહનો આપવા અંગે નિર્ણયો લે છે.
હું કાંઈ જાણતો નથી. હું કશું ખોટું ચલાવી નહિ લઉં. મેં ક્યારેય કોઈ અધિકારીને મારા અંગત કે કોઈ કાર્યકરને લાભ કરાવવા માટે કહ્યું નથી. હું જાતે તમામ દસ્તાવેજો ચેક કરીશ. જો કશું ખોટું થયું હશે તો હું તેને ટેકો નહિ આપું. તેમણે કહ્યું હતું કે સંતાનો મોટાં થયાં પછી પોતાની રીતે બિઝનેસ કરતાં હોય છે,
ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ અજિતને સિંચાઈ કૌભાંડમાં ક્લિનચીટ મળી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સામે કોંગ્રેસ- એન.સી.પીની સરકાર વેળા કરાયેલા જળ સિંચાઇ તેમજ ઉર્જા વિભાગમાં કરેલા કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો હતો. પરંતુ તેઓ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં જોડાઇ જતાં તેમના પર મૂકાયેલા બધા આરોપમાંથી મુક્ત કરાયા હતા.
પુણેના કોરેગાંવ જેવા પોશ એરિયામાં ૪૦ એકરની જમીનની કિંમત રૃા. ૧૮૦૦ કરોડ છે પણ આ જમીન મામૂલી કિંમતે રૃા. ૩૦૦ કરોડમાં કેવી રીતે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપનીને વેચી દીધી. એમ કહીને શિવસેના (યુ.બી.ટી)ના નેતા અંબાદાસ દાનવેએ સરકારી જમીન કેવી રીતે વેચી શકાય છે. આમાં મોટું કૌભાંડ છે.
તેમણે દાવો કર્યો હતો કે પાર્થ પવારની કંપનીને ૨૨ એપ્રિલે આઇ.ટી. પાર્ક સ્થાપવા માટે ઠરાવ પસાર કર્યો હતો. અને રૃા. ૧ લાખની હોવા છતાં સરકારને દરખાસ્ત રજૂ કરી હતી. નવાઇની વાત એ છે કે વ્યવહાર માત્ર ૨૭ દિવસમાં પૂર્ણ થયો હતો. ઉદ્યોગ વિભાગે સ્ટેમ્પ ડયુટી માફ કેવી રીતે કરાવી એવો સવાલ ઉભો કર્યો હતો.


