એર ઇન્ડિયાને બોઇંગ વિમાનોમાં ફ્યુએલ સ્વિચલોકિંગ સિસ્ટમની તપાસમાં ખામી ન જણાઇ

ભારતની વિવિધ એરલાઇન્સ ૧૫૦ કરતાં વધારે બોઇંગ વિમાનો ઉડાડે છે
એરઇન્ડિયા પાસે ૩૩ બોઇંગ ૭૮૭ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે ૭૫ બોઇંગ ૭૩૭ વિમાનાનો કાફલો છે
મુંબઇ - દેશના નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા ગયા અઠવાડિયે તમામ એરલાઇન્સને બોઇંગ વિમાનોની ફ્યુએલ કન્ટ્રોલ સ્વિચ-એફસીએસ-ની સાવચેતીના પગલાં તરીકે ૨૧ જુલાઇ સુધીમાં ચકાસણી કરવા માટે આપવામાં આવેલાં આદેશ અનુસાર એર ઇન્ડિયાએ તેના બોઇંગ વિમાનોના કાફલામાં આ ચકાસણી પુરી કરી લીધી હતી અને તેમાં કોઇ સમસ્યા ન હોવાનું જણાયું હતું. ગયા મહિને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન તુટી પડયુ તેના પ્રાથમિક અહેવાલમાં ફ્યુએલ સ્વિચ બંધ હોવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવાતાં ડીજીસીએ દ્વારા આ સાવચેતીના પગલાંરૃપે આ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
બાર જુને અમદાવાદથી ગેટવિક જતી એર ઇન્ડિયાની ફલાઇટ ઉડ્ડયન બાદ તરત જ તુટી પડતાં વિમાનના ૨૪૨માંથી ૨૪૧ પ્રવાસીઓના તથા જમીન પર બીજા ૧૯ જણાના મોત થયા હતા. આ અકસ્માતની એરક્રાફટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો-ેએએઆઇબી- દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેના પ્રાથમિક અહેવાલમાં એએઆઇબીએ જણાવ્યું હતું કે વિમાનના બંને એન્જિનોનો બળતણનો પુરવઠો એક સેકન્ડના અંતરે કાપી નંખાયો હતો. જેના કારણે કોકપિટમાં ઉડ્ડયન બાદ તરત ગુંચવાડો ઉભો થયો હતો.
એર ઇન્ડિયાના કાફલામાં બોઇંગ ૭૮૭ના ૩૩ વિમાનો છે જ્યારે તેની લો કોસ્ટ પેટા કંપનીએર ઇન્ડિયા એક્સપ્રેસના કાફલામાં ૭૫ બોઇંગ ૭૩૭ વિમાનો છે.આ ઉપરાંત અન્ય ડોમેસ્ટિક કેરીયર્સ ઇન્ડિ ગો, સ્પાઇસ જેટ અને આકાસા પાસે પણ આ પ્રકારના વિમાનો છે. ઇન્ડિગો પાસે સાત બોઇંગ ૭૩૭ મેક્સ એઇટ અને એક બોઇંગ ૭૮૭-૯ છે. આ તમામ લીઝ પર ચલાવાતાં વિમાનો છે અને તેમની નોંધણી ભારતમાં થયેલી નથી. આ વિમાનો વિદેશીએરલાઇન્સ પાસેથી લીઝ પર લેવામાં આવ્યા હોઇ તેમને ડીજીસીએનો આદેશ લાગુ પડતો નથી.
એર ઇન્ડિયા દ્વારા બાર જુલાઇએ તેના વિમાનોના કાફલાની સ્વૈચ્છિક તપાસ શરૃ કરવામાં આવી હતી અને તે ડીજીસીએ દ્વારા નિયત કરાયેલી મુદતમાં પુરી કરી દેવાઇ છે તેમ મંગળવારે એર ઇન્ડિયા દ્વારા જણાવાયું હતું.
૨૦૧૮માં ધ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ- દ્વારા બોઇંગ વિમાનોના ૭૮૭ અને ૭૩૭ સહિતના ચોક્કસ મોડેલ્સમાં ફ્યુએલ કન્ટ્રોલ સ્વિચ બંધ થઇ જવાની સંભાવનાનો મુદ્દો ઉઠાવી તેનો સ્પેશ્યલ એરવર્ધિનેસ ઇન્ફોર્મેશન બુલેટિન-એસએઆઇબી-માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ આ બાબતે કોઇ આદેશ આપવામાં આવ્યો ન હોઇ આ મુદ્દો સુરક્ષા માટે ચિંતાનો વિષય ન હોવાનું માની લેવાયું હતું. એએઆઇબી દ્વારા તેના અહેવાલમાં એફએએના એસએઆઇબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેમાં કોઇ પગલાં ભરવાની ભલામણ કરાઇ નથી.








