એર-ઇન્ડિયાના કેબીન-ક્રુ દીપક પાઠકના બદલાપુરમાં અંતિમ સંસ્કાર
અમદાવાદની વિમાન દુર્ઘટનાના નવ દિવસ બાદ
બીજા ક્રુ મેમ્બર ઇરફાન શેખની પિંપરી-ચિંચવડમાં દફનવિધિ થઇ
મુંબઇ - અમદાવાદમાં એર-ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા કેબીન ક્રુ દીપક પાઠકના આજે અંબરનાથ નજીક બદલાપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ નવ દિવસે પાઠકનો મૃતદેહ અમદાવાદથી બદલાપુરના નિવાસસ્થાને લાવવામાં આવ્યા પછી મૃતકના પરિજનો અને હજારો બદલાપુરવાસીઓએ તેને સજળ આંખોએ અંતિમ વિદાય આપી હતી.
બદલાપુરના કાત્રપ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા દીપક પાઠકે એરઇન્ડિયાની અમદાવાદ-લંડન ફલાઇટમાં ડયુટી પર જતા પહેલા ફેમિલી મેમ્બરને મોબાઇલથી કોલ કરી માહિતી આપી હતી. ત્યાર પછી થોડી વારમાં પ્લેનક્રેશ થયું હતું જેમાં આ આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની વિધિ પૂરી થયા પછી દીપકનો મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનારા બીજા ક્રુ-મેમ્બર ઇરફાન શેખની દફનવિધિ આજે પુણે પાસે પિંપરી-ચિંચવડના નેહરૃનગર કબરસ્તાનમાં કરવામાં આવી હતી. પરિવારજનો, મિત્રો અને મોટી સંખ્યામાં હાજર રહેલા ગામવાસીઓએ આશાસ્પદ યુવાનને આખરી વિદાય આપી હતી. ૨૨ વર્ષનો ઇરફાન શેખ બે વર્ષ પહેલા જ કેબીન ક્રુ તરીકે જોડાયો હતો. એવિયેશન ક્ષેત્રમાં ખૂબ આગળ વધવાની મહેચ્છા રાખતા ઇરફાનનો વિમાન દુર્ઘટનાએ ભોગ લીધો હતો. ડીએનએ ટેસ્ટ બાદ શુક્રવારે તેનો મૃતદેહ પરિવારને સોંપાયા બાદ આજે સવારે પિંપરી-ચિંચવડમાં દફનવિધિ થઇ હતી.