Mumbai

કોલાબા, અંધેરી, વિલેપાર્લે, બીકેસી, બોરવલી, ભાયખલા, ચેમ્બુરની હવા અત્યંત પ્રદૂષિત

By GS TEAM
21 Oct 20252 mins read
કોલાબા,  અંધેરી,  વિલેપાર્લે, બીકેસી, બોરવલી, ભાયખલા, ચેમ્બુરની હવા અત્યંત પ્રદૂષિત

મુંબઈમાં હવાની ગુણવત્તા સતત ખરાબઃ સરેરાશ એક્યુઆઈ ૧૮૬ 

મુંબઈ -   આજે દીપાવલીના  પરમ પવિત્ર પર્વે મુંબઇનું ગગન અને સમગ્ર વાતાવરણ સ્વચ્છ રહ્યાં નહોતાં. શહેરના આકાશમાં પ્રદૂષણની માત્રા વધી ગઇ  રહી હોવાથી  હવાની ગુણવત્તા ખરાબ થઇ રહી છે. પરિણામે આજે  પોતાનાં સ્વજનોને અને મિત્રોને  દીપાવલીની શુભેચ્છા આપવા ઘર બહાર નીકળેલાં મુંબઇગરાંને આંખોમાં બળતરા અને  ખાંસીની સમસ્યા થઇ હોવાના સમાચાર મળે છે. 

ખાસ કરીને વૃદ્ધોને, બાળકોને અને  અસ્થામાનાં દરદીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ હોવાના સમાચાર પણ મળે છે.

ભારતભરમાં આજે દીપાવલીના શુભ તહેવારની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે. મુંબઇગરાં પણ ભરપૂર આનંદ--ઉત્સાહ સાથે દીપાવલીના તહેવારો માણી -- ઉજવી રહ્યાં છે. સાથોસાથ ફટાકડા  પણ ફૂટી રહ્યા છે. ફટાકડા ફૂટવાને કારણે આખા વાતાવરણમાં ભરપૂર પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. હવાની ગુણવત્તા ખરાબ થઇ રહી છે. હજી આવતા દિવસોમાં હવાની ગુણવત્તા કદાચ વધુ ખરાબ થવાની  શક્યતા છે.

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી  છે  કે આજે મુંબઇની હવાની  ગુણવત્તાનો સરેરાશ આંક ૧૮૮(બપોરે ઃ ૨ ઃ ૩૦ ઃ) અને ૧૮૬ (સાંજે ઃ ૫ ઃ ૩૦ )  નોંધાયો  હતો. હવાની ગુણવત્તાનો આ આંક મધ્યમ શ્રેણીમાં આવે છે.

જોકે  આજે  નવી મુંબઇ સહિત મુંબઇનાં નવ પરાંની હવાની ગુણવત્તા ચિંતાજનક રહી હતી. આ નવ પરામાં કોલાબાની હવાની ગુણવત્તા સૌથી ખરાબ(૨૮૨ ઃખરાબ) રહી હતી. સાથોસાથ, અંધેરી(પૂર્વ ઃ ૨૬૩ ઃ ખરાબ),મઝગાંવ(૨૫૨ ઃ ખરાબ), ચેમ્બુર(૨૪૭ ઃખરાબ), નવી મુંબઇ(નેરુળ ઃ ૨૪૨ઃ ૨૩૮),  બોરીવલી(પૂર્વ ઃ ૨૩૬ ઃ ૨૩૨ ઃ ખરાબ), વિલેપાર્લે(પશ્ચિમ ઃ ૨૩૪ ઃ ૨૨૦ઃ ખરાબ),ભાયખલા(૨૧૫ ઃખરાબ),  બાંદરા(પૂર્વ ઃ ખેરવાડી ઃ ૨૧૧ ઃ ખરાબ), બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી ઃ૧૯૮ ઃ મધ્યમ), મલાડ (૧૮૩ ઃ મધ્યમ), કાંદિવલી(૧૬૦ ઃ મધ્યમ) નોંધાયો હતો.