Get The App

એઆઈએમઆઈએમના કોર્પોરેટર મતીન પટેલે નિદાને આશરો આપ્યો હતો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈએમઆઈએમના  કોર્પોરેટર મતીન પટેલે નિદાને આશરો આપ્યો હતો 1 - image

ભાગેડુ આરોપીને છાવરવા બદલ મતીન પટેલ સામે પણ ગુનો

નિદા તેના માતા-પિતા તથા ભાઈ સાથે છૂપાઈ હતીઃ નાસિક તથા છત્રપતિ સંભાજી નગર પોલીસનું સંયુક્ત ઓપરેશન

મુંબઈનાસિક ટીસીએસ ધર્મપરિવર્તન કેસમાં છત્રપતિ સંભાજીનગરથી ઝડપાયેલી નિદા ખાનને એઆઈએમઆઈએમના સ્થાનિક કોર્પોરેટર મતીન પટેલે આશરાની વ્યવસ્થા કરી હતી. પોલીસે ભાગેડુ નિદાને છૂપાવવા બદલ મતીન પટેલ સામે પણ ગુનો દાખલ કર્યો છે.

નાસિક પોલીસે જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના કોર્પોરેટર મતીન પટેલની સતત પૂછપરછને કારણે ગુરુવારે એક ઉચ્ચ-સ્તરીય સંયુક્ત પોલીસ કાર્યવાહીમાં ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

નિદાની ધરપકડના બીજા દિવસે વધુ વિગતો જાહેર કરતાં નાસિક પોલીસે જણાવ્યું હતું કે નિદાનું લોકેશન છત્રપતિ સંભાજીનગરમાં ટ્રેક થયુ ંહતું. બાદમાં સ્થાનિક પોલીસનો સહકાર લઈ મતીન પટેલને પાલિકા ચૂંટમી વખતે પૂરી પડાયેલી સુરક્ષાના ચાર્જના બહાને મળવા બોલાવાયા હતા. મતીન પટેલ  પોલીસની સિક્યુરિટી બ્રાન્ચમાં આવતાં  તેમની પૂછપરછ  કરાઈ  હતી. છેવટે સતત પૂછપરછ બાદ એઆઈએમઆઈએમના નેતાએ ખાન અને તેનો  પરિવાર ક્યાં છે એની માહિતી આપી  દીધી હતી. બાદમાં નાસિક તથા છત્રપતિ સંભાજીનગરની ટીમે  નારેગાંવ વિસ્તારમાં એક ઘરમાં  પહોંચી હતી અને નિદાની ધરપકડ કરી હતી. નિદાના   પિતા એજાજ બશીર (૫૨), માતા નિલોફર એજાજ (૪૪), ભાઈ મોહમ્મદ એજાજ (૨૦) અને કાકી નૂરજહાં શેખ અલી (૪૪) પણ તેની સાથે હતા.

નિદા તથા અન્ય કર્મચારીઓ સામે અન્ય  યુવતીઓને ધર્માંતરણની ફરજ પાડવા સહિતના આરોપો છે. એક યુવતીના જાતીય શોષણમાં મદદ કરવાનો પણ નિદા પર આરોપ છે.