ગ્રેડિંગ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા લેવાયો નિર્ણય
કૉલેજોએ વેબસાઈટ પર ભરેલી માહિતી અચૂક હોવા બાબતે એનઈટીએફને શંકા; એઆઈ ખોટા ડેટા ઉઘાડા પાડશે
મુંબઈ - પ્રોફેસરના પદ, અભ્યાસક્રમ, રીસર્ચ વર્ક, વિદ્યાર્થી સંખ્યા વગેરેની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવાની સૂચના દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અપાઈ છે. પરંતુ શિક્ષણ સંસ્થાઓ દ્વારા રજૂ કરાયેલી માહિતી સો ટકા સાચી હોવા બાબતે હજીયે શંકા છે. આથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યમાપન અને ગ્રેડિંગ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે તેમજ ખોટો ડેટા ઓળખવા માટે એઆઈ આધારિત ચેકિંગ સિસ્ટમ વિકસિત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નેશનલ એજ્યુકેશન ટેક્નોલોજી ફોરમ (એનઈટીએફ)ના અધ્યક્ષે જણાવ્યું છે.
'વન નેશન, વન ડેટા' સંકલ્પ હેઠળ તમામ યુનિવર્સિટીનો ડેટા જમા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. તમામ કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી અધિકૃત વેબસાઈટ પર સાર્વજનિકપણે ઉપલબ્ધ કરાવવાની સૂચના અપાઈ છે. તે મુજબ અનેક કૉલેજ અને યુનિવર્સિટીઓએ તેમની માહિતી વેબસાઈટ પર અપડેટ કરી છે.આ પ્રક્રિયા ઓટોમેટેડ સિસ્ટમથી થતી હોવા છતાં શિક્ષણ સંસ્થા દ્વારા અપાતી માહિતીની વિશ્વસનિયતા બાબત અનેક શંકાઓ ઉપજી છે.
આથી એઆઈની મદદથી થર્ડ પાર્ટી દ્વારા સર્વેક્ષણ કરી માહિતીની તપાસ કરવાની યોજના છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી મળેલી માહિતીનું વિદ્યાર્થી, પ્રાધ્યાપક, માધ્યમ પ્રતિનિધિઓના માધ્યમે વિશ્લેષણ કરી તેમના મત મગાવવામાં આવશે. તેમણે વ્યક્ત કરેલા મતને આધારે વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીની એઆઈ દ્વારા ખરાઈ કરાશે. આ સર્વેમાં સહભાગી થનાર વ્યક્તિની વિશ્વસનિયતાનું પણ એઆઈના માધ્યમે ગુણાંકન કરાશે.
કૉલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા વેબસાઈટ પર અપાયેલી માહિતીની થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરાયા બાદ તેમણે કરેલી ફરિયાદોના માધ્યમે સંસ્થાની આંકડાકીય માહિતીની એઆઈના માધ્યમે ઝીણવટભેર તપાસ કરાશે. એકાદી સંસ્થા દર વર્ષે ૧૦ થી ૨૦ રીસર્ચ પેપર પ્રકાશિત કરતી હોવાની માહિતી આપતી હોય અને એકાદ વર્ષે અચાનક ૧૦૦ રીસર્ચ પેપર પ્રકાશિત થયાનો દાવો કરે. તો આવા પ્રકરણોની એઆઈ સિસ્ટમ દ્વારા નોંધ લેવાશે. ત્યારબાદ આંકડાકીય માહિતીની અલગથી તપાસ કરાશે.


