ડી.જે.ના કર્કશ અવાજને લીધે અહમદનગરના શિક્ષકનું મોત
અસહ્ય અવાજને લીધે કોમામાં સરી પડયા હતા
મુંબઇ : મહારાષ્ટ્રમાં મોટા અવાજમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી ડીજે વગાડવામાં આવે છે. ઘણીવાર ડીજેનું ધ્વનિપ્રદૂષણ ફક્ત ત્રાસદાયક જ બની રહેતું નથી પણ જીવલેણ પણ બની જાય છે. અહેમદનગર જિલ્લાના શ્રીગોંદા તાલુકામાં આવી જ એક ઘટના બની હતી જેમાં ડીજેના કર્કશ અવાજ બાદ કોમામાં સરી પડેલા શિક્ષકનું એક મહિનાની સારવાર બાદ મૃત્યુ થયું હતું.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર હનુમાન મહોત્સવની શોભાયાત્રામાં મોટા અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. આ ડીજેના અવાજને લીધે અશોક બાબુરાવ ખંડાગળે (૫૮)ને અચાનક ત્રાસ થવા માંડયો હતો અને તેમની તબિયત લથડતા તેમને તરત જ એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ખંડાગળે કોમાં સરી પડયા હતા. તેમની તબિયતમાં કોઇ સુધારો ન થતા અંતે તેમને વધુ સારવાર માટે પુણેમાં ખસેડવામાં આવ્યા હતા.
ડોક્ટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા પણ ડીજેના અવાજને લીધે તેમના મગજ પર અસર થઇ હતી અને ઘણું નુકસાન થયું હતું. પરિણામે મહિના સુધી ઝીંક ઝીલ્યા બાદ અંતે શનિવારે તેઓ મૃત્યુ પામ્યા હતા. ખંડાગળે શ્રીગોંદામાં આવેલ નારાયણ આશ્રમના કેન્દ્ર પ્રમુખ હતા અને ૩૧મેના તેઓ નિવૃત થવાના હતા પણ તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. ખંડાગળેના મૃત્યુ માટે ડીજેનો જ અવાજ કારણભૂત છે કે કેમ તે સ્પષ્ટ થઇ શક્યું નહોતું પણ ડીજેના અવાદ સંભાળ્યા બાદ જ તેમની તબિયત લથડી હતી. ખંડાગળે વિદ્યાર્થીઓ સાથે જ શિક્ષકોમાં પણ ખૂબ જ લોકપ્રિય હોવાથી તેમનત્મૃત્યુથી શોકકળા પ્રસરા ગઇ હતી.