Mumbai

બેંગકોકથી 1 કરોડનું ડ્રગ્સ લાવેલી અમદાવાદની મહિલા ઝડપાઈ

By GS TEAM
14 Oct 20251 min read
બેંગકોકથી 1 કરોડનું ડ્રગ્સ લાવેલી અમદાવાદની મહિલા ઝડપાઈ

ઝડપી કમાણી માટે ડ્રગની દાણચોરી

ટ્રોલી બેગમાં બે પેકેટમાં ડ્રગ છૂપાવ્યું હતું  ઃ અન્ય  સાથીઓની શોધખોળ

મુંબઇ  -  મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી એક કરોડના ડ્રગ્સની દાણચોરી કરવા બદલ  અમદાવાદની  ૪૩ વર્ષની મહિલાની ધરપકડ કરી છે. 

એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે, કસ્ટમ અધિકારીઓએ  ચોક્કસ માહિતીના આધારે અમદાવાદની મહિલા શાહિન બાનુ ફકીરને અટકાવી હતી અને તેની ટ્રોલી બેગની તપાસ કરી હતી. મહિલાની બેગમાંથી બે  પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા.કસ્ટમ અધિકારીઓએ  આ બન્ને પેકેટ ખોલતા તેમાંથી અમૂક વનસ્પતિ જેવી દેખાતી વસ્તુ મળી આવી હતી. આ વસ્તુની તીવ્ર ગંધ આવતી હોવાથી કસ્ટમ  અધિકારીએ વધુ તપાસ કરતા હાઇડ્રોપોનિક વીડ (કેનાબીસ) હોવાથી તેમને વધુ શંકા ગઇ હતી આ પેકેટનું વજન ૯૭૪ ગ્રામ હતું જેની કિંમત ગેરકાયદે બજારમાં એક કરોડ જેટલી આંકવામાં આવે છે.

મહિલાએ કબૂલ્યું હતું કે ઝડપી કમાણીની લાલચે તેણે આ ડ્રગની દાણચોરી કરવાનું જોખમ ઉઠાવ્યું હતું. તેના નિવેદનના આધારે આ દાણચોરીમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ શરુ કરાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે  આ કેસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને આરોપીના નિવેદનની વધુ  ચકાસણી કરવામાં આવી રહી છે.  દરમિયાન આરોપી મહિલાને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને જામીન આપવામાં આવ્યા હતા.