Get The App

સાયબર ફ્રોડ માટે 300 સિમ કાર્ડ સપ્લાય કરનારો એજન્ટ ઝડપાયો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સાયબર ફ્રોડ માટે 300 સિમ કાર્ડ સપ્લાય કરનારો એજન્ટ ઝડપાયો 1 - image

અનેક વ્યક્તિનાં આધાર કાર્ડનો દુરુપયોગ કરી સિમ જનરેટ કર્યાં

ગોરેગાંવના ડિજિટર એરેસ્ટ કેસમાં તપાસમાં નામ ખુલ્યું : કુલદીપે સપ્લાય કરેલાં  સિમ કાર્ડસથી દેશભરમાં અનેક લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા    

મુંબઈ: મુંબઈ પોલીસના  સાયબર સેલે અનેક વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓને ૩૦૦થી વધુ સિમ કાર્ડ સપ્લાય કરવાના આરોપમાં  પચ્ચીસ વર્ષીય પીઓએસ(પોઇન્ટ ઓફ સેલ) એજન્ટની ધરપકડ કરી છે. 

આરોપી કમલ પુકરાજ કુલદીપ  ટેલિકોમ કંપનીઓ માટે પીઓએસ એજન્ટ તરીકે કામ કરતો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ઘણા સિમ કાર્ડનો ઉપયોગ દેશભરમાં અનેક ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં કરવામાં આવ્યો હતો. આવા જ ગુનામાં સાયબર ગુનેગારોએ કુલદીપ દ્વારા સપ્લાય કરાયેલા સિમ કાર્ડનો ઉપયોગ કરીને એક વરિ નાગરિકને ડિજિટલ ધરપકડની ધમકી આપી હતી અને લગભગ રૂ.૨૯ લાખની છેતરપિંડી કરી હતી.

ગોરેગાંવના રહેવાસી ૬૬ વર્ષીય ફરિયાદી પશ્ચિમ રેલ્વેના એકાઉન્ટ્સ વિભાગના નિવૃત્ત સહાયક અધિકારી છે.ગત ૧૦ ડિસેમ્બરના  તેમને પોલીસ યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો.તેણે પોતાને રણજીત કુમાર તરીકે ઓળખાવ્યો અને મુંબઈમાં પોલીસ અધિકારી હોવાનો દાવો કર્યો હતો.

ફોન કરનારે પીડિતને જાણ કરી કે તેના આધાર ડેટાનો ઉપયોગ કરીને એક સિમ કાર્ડ જારી કરવામાં આવ્યું છે.તેમણે લખનૌમાં ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડીમાં ફરિયાદ નોંધાવવી પડશે. ત્યારબાદ કોલ કથિત રીતે બીજા એક વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.તેણે પોતાની ઓળખ પ્રેમ કુમાર ગૌતમ નામના પોલીસ અધિકારી તરીકે આપી અને ફરિયાદ નોંધવાનો ડોળ કર્યો હતો.

થોડા સમય પછી ફરી વૃધ્ધને લખનૌથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.તેણે નેશનલ સિક્યુરિટી એજન્સીના વડા સદાનંદ દાતે હોવાનો દાવો કર્યો હતો. ફોન કરનારનો ચહેરો દેખાતો ન હતો. પરંતુ તેણે આરોપ કર્યો કે પીડિતના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા લગભગ રૂ.૬૦ કરોડનો વ્યવહાર કરાયો હતો.

 છેતરપિંડી કરનારે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પીડિતને ગેરકાયદેસર વ્યવહારોમાંથી ૧૦ ટકા કમિશન મળ્યું હતું .આથી તેમની સામે મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીના કેસ નોંધાયા હતા.  વૃધ્ધને ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે ડિજિટલ ધરપકડ હેઠળ છે, એટલે કે તે પોતાનું ઘર છોડી શકતા નથી કે કોઈની સાથે વાતચીત કરી શકતા નથી.

     આ કાર્યવાહીને કાયદેસર બતાવવા માટે આરોપીઓએ નેશનલ સિક્યુરિટી એજન્સી અને ભારતીય રિઝર્વ બેંકના લોગો ધરાવતા બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા.આ સાથે આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેશવન રામચંદ્રનના નામે જારી કરાયેલ એક પત્ર પણ મોકલ્યો હતો

     છેવટે ધરપકડના ડરથી વરિ નાગરિકે સાયબર ગુનેગારો  દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાઓમાં આશરે રૂ.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા હતા.તેમને દર બે કલાકે એક વોટ્સએપ સંદેશ મોકલવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.આ ગેંગે  તેમને ખાતરી આપી હતી કે તપાસ પછી પૈસા પરત કરવામાં આવશે.

     જોકે પૈસા પરત ન મળતા પીડિતને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને સાયબર સેલનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ પોલીસે આઇટી એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ  કેસ નોંધ્યો હતો.

    તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે છેતરપિંડીમાં વપરાયેલ સિમ કાર્ડ મૂળ આધાર ધારકની પરવાનગી વિના જારી કરવામાં આવ્યું હતું.પોલીસ વધુ ટેકનિકલ વિશ્લેષણથી  ચેમ્બુરમાં કુલદીપ સુધી પહોંચી હતી. તેને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

   પોલીસે ખુલાસો કર્યો કે કુલદીપ પીઓએસ એજન્ટ તરીકે કામ કરતી વખતે સિમ કાર્ડ માંગતા ગ્રાહકો દ્વારા સબમિટ કરાયેલ આધાર વિગતોની અક્સેસ ધરાવતો હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને, તેણે કથિત રીતે જુદી જુદી કંપનીના અલગ અલગ નામો અને ફોટોગ્રાફ્સ સાથે ૩૦૦થી વધુ સિમ કાર્ડ સક્રિય કર્યા અને ભારે કમિશનના બદલામાં સાયબર છેતરપિંડી કરનારાઓને તે સપ્લાય કર્યા  હતા.

   પોલીસે જણાવ્યું હતું કે દેશભરમાં અનેક સાયબર છેતરપિંડીના કેસોમાં આ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેના પરિણામે પીડિતોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. આ સિમ કાર્ડનો ઉપયોગ કરતા સાયબર ગુનેગારોના નેટવર્કની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે.