અલીબાગ પાસે પાક બોટનો ભાગ દેખાયા બાદ એજન્સીઓમાં દોડધામ
600 પોલીસની ટીમા રાયગઢના દરિયાકાંઠા ખુંદી વળી
મૂળ બોટ તો પાકિસ્તાનમાં હોવાનું કન્ફર્મ થયું ઃ ભારે વરસાદ વચ્ચે બોટનો ભાગ તણાઈ આવ્યાની ધારણા
મુંબઈ - જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મીની- વોર ખેલાઈ ગયું હતું. હાલ બન્ને દેશોના સંબંધ તણાવ ભર્યા છે તેવામાં રાયગઢ જિલ્લાના અલીબાગ પાસે મધદરિયે એક શંકાસ્પદ બોટ મળી આવતા એજન્સીઓ સતર્ક બની હતી.
આ બોટ પાકિસ્તાનની હોવાનું બહાર આવ્યા બાદ મોટાપાયે તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ અંતે આ બોટ નહીં પણ બોટનો એક ભાગ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ખરેખર બોટ પાકિસ્તાનમાં કરાંચીમાં હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર અલીબાગના રેવદંડાના કોલઈ કિસ્સા પાસે રડાર પર નૌકાદળને એક બોટ (બોટનો ભાગ) નજરે પડયો હતો. રાયગઢના દરિયાકાંઠે અચાનક અજાણી બોટ નજરે પડતા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ વાતની જાણ સ્થાનિક પોલીસ અને કોસ્ટ ગાર્ડને પણ કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે આ બોટ દેખાયા બાદ આજે વહેલી સવારથી હેલિકોપ્ટરની મદદથી બોટની શોધ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પણ બોટની શોધ કરી રહી હતી.
આ બોટ એક માછીમારી બોટ છે અને ભારે વરસાદ અને તોફાન વચ્ચે મૂળ બોટનો એક ભાગ (બોયા) અહીં આવી ગયો હતો અને તેના જીપીએસ ટ્રેકર અને ટ્રાન્સપોન્ડર હોવાથી તેની ઓળખ સ્થાપિત થઈ શકી હતી.
આ બાબતે ચિંતા કરવા જેવું કાંઈ ન હોવાથી સ્પષ્ટતા પોલીસે કરી હતી. જોકે આ શંકાસ્પદ બોટની વાત ફેલાતા રાયગઢ જિલ્લામાં અલગ- અલગ સ્થળોની તપાસ કરી હતી અને હોટલ, લોજ, રિસોર્ટમાં પણ તપાસ આદરી કોઈ શકમંદ તો છૂપાયા નથી તેની ખરાઈ કરી હતી.