વિરારમાં પતિના મોત બાદ પત્નીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી
પતિના મૃત્યુથી પત્ની હતાશ થઇ ગઇ હતી
મુંબઇ : વિરારમાં ગઇકાલે રાતે પતિના મૃત્યુ બાદ હતાશ થઇ ગયેલી પત્નીએ ઘરમાં જીવન ટૂંકાવી લીધી હતુ. પોલીસે બંનેના મૃતદેહ તાબામાં લઇ વધુ તપાસ આદરી છે.
થોડા દિવસ અગાઉ નવાપૂરમાં પિતાના મૃત્યુ બાદ પુત્રીએ આત્મહત્યા કરી હતી. નવાપૂરની ઘટનાની પુનસવર્તન વિરારમાં થયુ હતુ.
વિરારના મનવેલ પાડામાં નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૨૪) તેની પત્ની સંતોષ કૌર (ઉ.વ.૨૨) સાથે ભાડાના ઘરમાં રહેતો હતો. બે વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા. થોડા દિવસ પહેલા આ ગૃહિણીનો નાનો ભાઇ તેમની સાથે રહેવા આવ્યો હતો.
ગઇકાલે નરેન્દ્રસિંહની તબીયત બગડી હતી. તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પછી તેઓ ઘરે આવ્યા હતા. પણ બાદમાં ઘરમાં નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ. તેણે હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.
પતિના મોતથી તે ગભરાઇ ગઇ હતી. તેણે ગળાફાંસો ખાધો હતો. આ ગૃહિણીનો ભાઇ આજે સવારે નોકરીમાંથી ઘરે આવ્યો હતો ત્યારે તપાસ કરતા બંને જણના મૃતદેહ ઘરમાં મળી આવ્યા હતા.
વિરાર પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ આદરી છે આ મામલામાં પ્રાથમિક તપાસમાં પોલીસને કંઇ પણ શંકાસ્પદ જણાયુ નથી.