શહેરમાં પાદપૂજન, પાટપૂજન બાદ હવે ટ્રોલીપૂજનની નવી પ્રથા
અનેક ગણેશમંડળોએ કાર્યક્રમો યોજ્યા
સૌપ્રથમવાર પાદપૂજનની વિધિ લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે શરુ કરી હતી
મુંબઈ - મુંબઈના ગણેશોત્સવમાં નવી પ્રથાઓ ઉમેરાઈ રહી છે. પાદ અને પાટ પૂજન બાદ હવે જે ટ્રોલી પર ગણેશમૂર્તિ બનાવવામાં આવે છે, તે ટ્રોલીનું પણ ધામધૂમથી પૂજન કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે પાદ-પૂજનની શરુઆત કરી હતી. ત્યારબાદ મુંબઈ શહેર અને ઉપનગરના લગભગ તમામ મોટા સાર્વજનિક ગણેશ મંડળોએ પાટપૂજન, પાદપૂજન, નિમંત્રણ પત્રિકા પૂજન અને મંડપ પૂજન જેવી પ્રથા શરુ કરી છે. ખાસ તો એ કે આ કાર્યક્રમ વાદ્યોના સૂરો સાથે વાજતેગાજતે કરવામાં આવે છે અને તેને માટે ખાસ મહેમાનો પણ આમંત્રિત કરાય છે.
સાત રસ્તા સ્થિત 'સાતરસ્તાચા વિધ્નહર્તા' ગણેશોત્સવ મંડળની નવી ટ્રોલીનું મંગળવારે પૂજન કરાયું અને તેનું મોટા પાયે આયોજન કરાયું હતું. એજ રીતે શહેરમાં ઠેકઠેકાણે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની ટ્રોલી પૂજનના ઉપક્રમો યોજાયા છે. આ ટ્રોલીનું પૂજન થયા બાદ મૂર્તિકારોને તે કારખાનામાં અપાય છે. ત્યારબાદ જ મૂર્તિકાર આ ટ્રોલી પર ગણેશમૂર્તિ ઘડવાનું કામ શરુ કરે છે. મહિનાભરમાં ગણેશમૂર્તિ ઘડવા સહિત તેનું રંગકામ પણ પૂર્ણ કરાય છે, એવું મંડળ દ્વારા જણાવાયું છે.