મુંબઈ પછી પુણેમાં પણ પ્રફુલ્લ લોઢા સામે બળાત્કારનો કેસ દાખલ
પતિને નોકરીની લાલચે પત્ની પર અત્યાચાર ગુજાર્યો
જળગાંવના ભાજપ સાથે સંકળાયેલા નેતા લોઢા સામે અગાઉ મુંબઈમાં બે કેસ નોંધાયા છેઃ હની ટ્રેપ કેસમાં સંડોવણીની ચર્ચા
મુંબઇ - મુંબઇ પછી પુણે પોલીસે મૂળ જળગાંવના પ્રફુલ્લ લોઢા સામે બળાત્કારનો કેસ નોંધ્યો છે. મુંબઇમાં ૧૬ વર્ષીય બે સગીરા અને એક મહિલા પર બળાત્કારના આરોપસર અગાઉ લોઢાની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યુ ંહતું.
પુણે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૩ વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લોઢાએ મે મહિનામાં તેને અહીં એક હોટેલમાં બોલાવી હતી. તેના પતિને નોકરી આપશે એવું વચન આપ્યું હતું. એના બદલામાં જાતીય લાભની માંગ કરી હતી.
પરંતુ જ્યારે મહિલાએ તેની વાત માની નહોતી. ત્યારે લોઢાએ કથિત રીતે તેને ધમકી આપી એને બળાત્કાર ગુજાર્યો હતો. લોઢા વિરૃદ્ધ આ મામલામાં ૧૭ જુલાઇના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ બળાત્કાર, ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ ચાલું છે, એમ પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડના બાવધત પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના જળગાવની વતની પ્રફુલ્લ લોઢા (ઉ.વ.૬૨) કેટલાક રાજકારણીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે એમ કહેવાય છે.મ્
મુંબઇ પોલીસે આ મહિનાની શરૃઆતમાં ૧૬ વર્ષીય બે સગીરાનું જાતીય શોષણ કરવા અને નોકરી આપવાના બહાને એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં લોઢાની ધરપકડ કરી હતી.
લોઢાની ધરપકડ બાદ પોલીસે જળગાવ, જામનેર, પાહુરમાં તેની પ્રોપર્ટી પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન એક લેપટોપ, પેન ડ્રાઇવ, કેટલીક ઇલેકટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી હતી.
મુંબઇ પોલીસે લોઢા સામે પોકસો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રના ભાજપના મંત્રી ગિરીશ મહાજનના લોઢા સાથેના ફોટા તરફ ઇશારો કર્યો હતો. બાદમાં મહાજને દાવો કર્યો હતો કે લોઢાના એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર, પાર્ટીના ધારાસભ્ય જયંત પાટિલ, શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (એસપી) સાસંદ સુપ્રિયા સુળે સહિત અનેક નેતાઓ સાથે ફોટા છે.
મહાજને દલીલ કરી હતી કે કોઇની સાથે ફોટામાં દેખાવાનો એ અર્થ નથી કે કોઇ ખોટા કામમાં સંડોવણી છે અને રાઉત પર પુરાવા વિના બેજવાબદાર નિવેદનો આપવાનો આરોપ મૂક્યો હતો.
જળગાવના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ લોઢાની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચનાની માંગણી કરી હતી. લોઢા પાસે ગત સાત-આઠ વર્ષમાં કરોડોની સંપતી કયાંથી આવી એની તપાસની માંગણી કરી હતી. આ ઉપરાંત લોઢા સામે અન્ય ગંભીર આરોપ કર્યાં હતા.