મહારાષ્ટ્રના ૩૩ જિલ્લામાં ગાજવીજ, તોફાની પવન સાથે માવઠું થવાની ચેતવણી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર ે ઃ ઉત્તરના ટાઢા પવનો ફૂંકાય છે
મુંબઈ - હવામાન વિભાગે એવો સંકેત આપ્યો છે કે મુંબઇગરાંને હીટ વેવમાં જબરાં દઝાડયા બાદ હવે મહાનગરના હવામાનમાં ફરીથી મોટો પલટો આવે તેવાં એંધાણ મળી રહ્યાં છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રના કુલ ૩૩ જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ ( ૧૭ થી ૨૦, માર્ચ ) દરમિયાન મેઘગર્જના, વીજળીના ચમકારા, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
મુંબઇમાં આવતીકાલે ૧૭ અને ૧૮, માર્ચે ગાજવીજ, પવન સાથે હળવી વર્ષાનું વાતાવરણ સર્જાય તેવો સંકેત છે.
આમ પણ હીટ વેવ બાદ ગઇકાલે, રવિવારથી મુંબઇ પર ઠંડા પવનો ફૂંકાવા શરૃ થયા હોવાથી વાતાવરણ ખુશનુમા રહ્યું છે. હજી ૨૦, માર્ચ સુધી મુંબઇગરાંને ઘણી રાહત રહેવાની શક્યતા છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમા ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૧.૭ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૯ -૬૨ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૦ -૬૧ ટકા નોંધાયું હતું.
હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિક્રમ સિંહે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ વાયવ્ય ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઇ રહી છે. સાથોસાથ મુંબઇ પર ઉત્તરના હિમાલય તરફથી પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. ઉપરાંત, હાલ વાતાવરણના નીચેના પટ્ટામાં ઉત્તર અને અગ્નિ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે.
આ તમામ બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની ભારે તોફાની અસરથી આવતા ત્રણ દિવસ( ૧૭ થી ૨૦ -માર્ચ) દરમિયાન મુંબઇ સહિત કોંકણ( થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર( નાશિક, જળગાંવ, ધુળે, નંદુરબાર, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર) મરાઠવાડા ( છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર, ધારાશિવ), વિદર્ભ( અકોલા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોળી, ગોંદિયા, નાગપુર, વર્ધા, યવતમાળ) એમ કુલ ૩૩ જિલ્લામાં ગાજવીજ, તીવ્ર પવન સાથે કમોસમી વરસાદનું ત્રેખડ સર્જાવાની સંભાવના છે.
હવામાનના આવા પલટાથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો રહેવાની પણ શક્યતા છે. આમ છતાં ગાજવીજ, તોફાની પવન સાથે માવઠું થાય તો ખેતીવાડીના પાકને નુકસાન થવાની પણ સંભાવના રહે.


