74000 કરોડનું બજેટ ધરાવતી બીએમસીમાં પહેલીવાર ભાજપનો મેયર બનશે
પિતરાઈ ભાઈઓનું પુનર્મિલન ફલોપ ગયું ઃ ઉદ્ધવને ૬૦થી વધુ બેઠકો મળી પણ રાજ ઠાકરેનો કરુણ રકાસ, કોંગ્રેસ અને શિંદે સેનાની બેઠકો લગોલગ
મુંબઈ - આશરે ત્રણ દાયકા બાદ પહેલીવાર મુંબઈ મહાનગરપાલિકામાં ઠાકરે પરિવારનાં શાસનનો અંત આવ્યો છે. ૭૪૦૦૦ કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી અને એશિયાની સૌથી ધનાઢ્ય મહાપાલિકા ગણાતી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ભાજપનો મેયર બને તેવું ચિત્ર આજે મહાપાલિકા ચૂંટણીની મતગણતરી બાદ સ્પષ્ટ થયું છે. આ ચૂંટણીમાં પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરેએ બે દાયકા બાદ હાથ મિલાવ્યા હતા પરંતુ તેમનું આ પુનર્મિલન કામયાબ રહ્યું નથી. ૨૨૭ બેઠકોમાંથી મોડી રાતના આંકડા અનુસાર ભાજપને ૮૮ અને એકનાથ શિંદેની શિવસેનાને ૨૮ બેઠકો મળતાં ભાજપ-સેનાની યુતિને સાદી બહુમતીથી સત્તા મળી રહી હોવાનું નિશ્ચિત બન્યું હતું. તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીને ૬૬ બેઠક મળી હતી પરંતુુ રાજ ઠાકરેની મનસેને ફક્ત નવ બેઠક મળતાં તેનો કરુણ રકાસ થયો હતો. કોંગ્રેસે શિંદે સેનાની લગોલગ ૨૪ બેઠકો મેળવી હતી. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિંદે સેનાએ પછડાટ ખાધા બાદ વિધાનસભામાં ક્લીન સ્વીપ કરી તેનું સાટું વાળ્યું હતું અને હવે મહાપાલિકા ચૂંટણીમાં વિજય મેળવી તેમની સ્થિતિ મજબૂત કરી છે. દેશની આર્થિક રાજધાની પર કબ્જો ભાજપનું લાંબા વર્ષોથી ધ્યેય હતું જે આ ચૂંટણીમાં સાકાર થયું છે.
આ પરિણામો મુંબઈના રાજકીય ઈતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. ૮૦ના દાયકાના અંતમાં અહીં શિવસેના મજબૂત રાજકીય બળ તરીકે ઉભરી આવી હતી અને ત્યારથી ભાજપે મોટાભાગે શિવસેનાના જુનિયર પાર્ટનર તરીેકે જ ભૂમિકા ભજવી હતી. જોકે, ૨૦૨૨માં શિવસેનાના ભાગલા પછી મુંબઈનું રાજકીય પરિદૃશ્ય બદલાયું હતું. તેમ છતાં પણ ઠાકરે પરિવારને છેક સુધી આશા હતી કે તેમનો મુંબઈનો ગઢ જળવાઈ રહેશે.
હવે મુંબઈમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે અને શિંદે સેના સત્તામાં તેની ભાગીદાર હોવાથી ત્રણ દાયકામાં પહેલીવાર ઠાકરે બંધુઓ તદ્દન રાજકીય હાંસિયામાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમની પાસે હવે ક્યાંય કોઈ જગ્યાએ સત્તા રહી નથી. ઠાકરે પરિવાર માટે છેલ્લા બે દાયકામાં આ તેમનો સૌથી નબળો દેખાવ છે. ૧૯૯૭માં શિવસેનાએ ૧૦૩ બેઠક મેળવીને કોંગ્રેસની સત્તા ઉખાડી નાખી હતી. તે વખતે ભાજપને ફ્કત ૨૬ બેઠક મળી હતી અને સપાને ૨૧ બેઠક મળી હતી.
છેલ્લે ૨૦૧૭માં ચૂંટણી યોજાઈ ત્યારે પણ ત્યારની અવિભાજિત શિવસેના ૮૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. તે વખતે ભાજપને ૮૨ બેઠક મળી હતી. કોંગ્રેસને ૩૧ અને ત્યારની અવિભાજિત એનસીપીને નવ બેઠકો મળી હતી. મનસેને ત્યારે પણ સાત જ બેઠક મળી હતી. તે વખતે ભાજપ અને શિવસેના સાથીઓ હોવા છતાં પણ ચૂંટણી અલગ અલગ લડયાં હતાં અને ચૂંટણી બાદ તેમણે જોડાણ કરી સંયુક્ત સત્તા ભોગવી હતી.
આ વખતે રાજ ઠાકરે અને ઉદ્ધવ તથા સામે ભાજપ અને શિંદે સેના અગાથી જ યુતિ કરીને બેઠક સમજૂતી સાથે ચૂંટણી લડયાં હતાં.
રાજ અને ઉદ્ધવ ઠાકરેએ મરાઠી અસ્મિતાનો મુદ્દો ચગાવી પોતાને તેમના તારણહાર તરીકે રજૂ કર્યા હતા પરંતુ મતદારોએ આ મુદ્દો સ્વીકાર્યો નથી. ભાજપે ટ્રિપલ એન્જિન સરકાર અને ઈન્ફ્રાસ્ટ્રચરના મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ પાછલાં ત્રણ વર્ષમાં ઉદ્ધવ ઠાકરેના મોટાભાગના નગરસેવકો તથા સંગઠનના નેતાઓ શિંદે સેનામાં જોડાઈ ગયા હોવાથી તેમનું સંગઠન અતિશય નબળું પડી ગયું હતું. કોંગ્રેસે ઠાકરે બંધુઓનો સાથ છોડી અન્ય ટચૂકડા પક્ષો સાથે જોડાણ કરતાં વિપક્ષના મતો વહેંચાઈ ગયા હતા. આ બધાનો ફાયદો ભાજપ તથા એકનાથ શિંદેની યુતિને મળ્યો છે.
જોકે, વિપક્ષોએ ગઈકાલે જ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતીઓ થઈ છે અને ચૂંટણી પંચ તટસ્થ રહ્યું નથી. મતદારોને આંગળી પર કરાતું નિશાન તરત ભૂંસાઈ જતું હોવાથી મોટાપાયે બોગસ વોટિંગના આક્ષેપો પણ વિપક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા.
મહાપાલિકાની ૨૨૭ બેઠકો માટે કુલ ૧૭૦૦ ઉમેદવાર મેદાનમાં હતાં. આશરે ૧.૦૩ કરોડ મતદારો નોંધાયા હતા જોકે તેમાંથી ૫૨.૯૪ ટકા મતદારોએ જ ગઈકાલે મતદાન કર્યું હતું. ભાજપે ૧૩૭, શિવસેના ૯૦, એનસીપી ૯૪, શિવસેના યુબીટી ૧૬૩, કોંગ્રેસ ૧૪૩ અને મનસેએ બાવન બેઠકો પરથી ઝંપલાવ્યું હતું.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ભાજપનાં કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરતી વખતે આ વિકાસની જીત હોવાનું ગણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલે કહ્યું હતું કે જો ચૂંટણી પંચ તટસ્થ રહ્યું હોત તો કોંગ્રેસનો દેખાવ વધારે સારો થઈ શકે તેમ હતો.
શિવસેના યુબીટીના સંજય રાઉતે આ પરિણામો સ્વીકારવાનો છેક સુધી ઈન્કાર કરતાં એમ કહ્યુું હતું કે પરિણામોનાં આકલનમાં ઉતાવળ થઈ રહી છે. હજુ સંપૂૂર્ણ પરિણામો જાહેર થયાં નથી.


