લગ્નજીવનમાં ઝઘડા થતા હોય છે, દરેકને ક્રૂરતા ન ગણાય
મુલુંડની કોર્ટ દ્વારા પતિ, સાસુ અને અન્ય પાંચ સંબંધીને ક્રૂરતાના કેસમાંથી આરોપમુક્ત કરાયા
મુંબઈ - ગર્ભાવસ્થા દરમ્યાન પુત્રવધૂને નોકરી છોડવાની સલાહ આપવી એ ક્રૂરતા ગણી શકાય નહીં એવો મહત્ત્વનો નિર્ણય મુલુંડ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યો છે. ફરિયાદીના પતિ અને સાસૂ સહ પાંચ જણને ક્રૂરતાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સાસુએ પુત્રવધૂને આપેલી સાલહમાં ક્યાંય દબાવ કે બળજબરી કર્યાનો હેતુ દર્શાતો નથી. આથી સલાહ ક્રૂરતાની વ્યાખ્યામાં આવતી નથી, એમ મુલુંડ કોર્ટના મેજિસ્ટ્રેટ વ્યાસે ઉક્ત ચુકાદો આપ્યો હતો.
પુત્રીના જન્મબાદ પુત્રવધૂને નોકરી કરવાની મનાઈ કર્યાના કોઈ નક્કર પુરાવા એફઆઈઆરમાં જણાયા નહોવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
દંપતીના લગ્ન ૨૦૨૦માં થયા હતા. પારિવારિક વાદ અને કથિત ગેરવર્તનને લઈને ત્રાસ અપાયો હોવાનો આરોપ કરીને ૨૦૧૫માં ફરિયાદીએ પતિ, સાસુ અને અન્ય સંબંધીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી. પતિ પર મારપીટ અને ગાળો આપવાનો આરોપ કર્યો હતો, તેમ જ સંબંધીઓએ ઉશ્કેરણી કર્યાનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદીની સાક્ષીમાં અનેક ત્રુટિ જણાઈ હતી અને ક્રૂરતાના આરોપ નિશંકપણે સિદ્ધ થઈ શક્યો નહોતો, એમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું.
પરિવારમાં નજીવો વાદવિવાદ થાય છે પણ દરેક વિવાદને ક્રૂરતા ગણી શકાય નહીં અથવા તેને તેનું સ્વરૃપ આપી શકાય નહીં, એમ કોર્ટે નોંધીને આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા.


