હોર્ડિંગની દુર્ઘટનાઓમાં જાહેરાત એજન્સીને જવાબદાર ઠેરવાશે
હવે ઘાટકોપરવાળી થઈ તો સાવધાન !
હોર્ડિંગ્સ બાબતે નવી નીતિઃ જમીન ફાળવવામાં સામેલ સરકારી અધિકારી જવાબદાર નહિ બને
મુંબઈ - રાજ્યભરમાં સરકારી જમીન પર લગાવાયેલા હોર્ડિંગ્સ અંગેની નવી નીતિને લીલીઝંડી અપાઈ છે. જેમાં આ બિલબોર્ડ્સથી થતાં કોઈપણ જોખમ માટે જાહેરાત એજન્સીઓને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવી છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ, જિલ્લા કલેક્ટરોને સ્થાન નિશ્ચિતી કરવા તથા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સત્તા અપાઈ છે. નવી નીતિ મુજબ, હોર્ડિંગ્સને કારણે થતાં કોઈપણ અકસ્માત માટે જાહેરાત એજન્સીઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. જમીન ફાળવવામાં સામેલ સરકારી અધિકારીઓ કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
ગત વર્ષે મે મહિનામાં ઘાટકોપરમાં પેટ્રોલપંપ પર એક હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં ૧૭ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માત બાદ જાહેર સલામતી અને અન્ય મુખ્ય મુદ્દાઓને સંબોધિત કરતી નીતિની જરુરિયાત ઊભી થઈ હતી.
પરિપત્રક જણાવે છે કે, નવી નીતિ સરકારની આવકમાં વધારો કરશે અને સ્થાનિક સ્તરે રોજગાર નિર્માણમાં પણ મદદ કરશે. જાહેરાત એજન્સીઓએ પાંચ વર્ષના લીઝ પર સહી કરવી પડશે. ઉપરાંત ફક્ત રાજ્યના રહેવાસીઓ અથવા મહારાષ્ટ્રમાં નોંધાયેલા સંગઠનો જ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
જો અરજદાર એજન્સી બાંધકામની માન્ય મર્યાદા ઓળંગશે તો તેને શરતોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. તેવા કિસ્સામાં કરાર રદ્દ કરવામાં આવશે અને સરકાર જમીનનો કબજો પાછો લેશે. જો એજન્સી તે જમીન પર બીજું કંઈ બાંધકામ કરશે, તો તેને અતિક્રમણ ગણવામાં આવશે અને કરાર દંડ સાથે સમાપ્ત કરાશે. દરેક જિલ્લામાં કલેક્ટર યોગ્ય સરકારી જમીન અને હોર્ડિંગ્સ ઊભા કરી શકાય તેવા સ્થળો શોધશે અને તેમને અંતિમ સ્વરુપ આપશે. ત્યારબાદ જમીનના વિસ્તાર અને હોર્ડિંગ્સના કદ અંગે સ્પષ્ટીકરણો સાથે ટેન્ડર બહાર પડાશે. સ્થાનિક સંસ્થા દ્વારા નક્કી કરાયેલ ચાર્જ લાઈસન્સ ફી તરીકે લાગુ રહેશે. જો તેમણે ચાર્જ નક્કી ન કર્યા હોય તો જિલ્લા કલેક્ટર જમીનની જાહેરાત ક્ષમતાને ધ્યાનમાં લઈ ચાર્જ નક્કી કરશે. હોર્ડિંગ્સ રાહદારીઓની ગતિવિધિઓમાં દખલ ન કરે તેમજ ટ્રાફિક સિગ્નલમાં અડચણરુપ ન બને તેમ હોવા જોઈએ.