3 વર્ષીય લૉ કોર્સના પ્રવેશ 11મી ઑગસ્ટથી શરુ થશે
શુક્રવારે મોડી સાંજે મેરિટ જાહેર થયું
40 હજારમાંથી ૧૪,૯૮૮ વિદ્યાર્થીઓની પસંદગી, સાત હજાર વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગીની કોલેજ
મુંબઇ - સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) સેલ દ્વારા લૉ ત્રણ વર્ષીય કોર્સના પ્રથમ રાઉન્ડ માટે શુક્રવારે મોડી રાત્રે પસંદગી યાદી જાહેર કરાઈ હતી. આ યાદીનુસાર, કોલેજોનો પસંદગીક્રમ ભરેલા ૪૦,૩૨૩ વિદ્યાર્થીઓમાંથી ૧૪,૯૮૮ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટે પસંદ કરાયા છે. પ્રવેશની તક પ્રાપ્ત થયેલ વિદ્યાર્થીઓએ ૧૧ ઑગસ્ટથી કોલેજમાં પ્રત્યક્ષ જઈ પ્રવેશ મેળવવાનો રહેશે.
લૉ ત્રણ વર્ષીય કોર્સના એડમિશન માટે સીઈટી સેલેબીજી ઑગસ્ટના રોજ મેરિટ જાહેર કર્યું હતું. ત્યારબાદ ૩ થી ૫ાંચ ઑગસ્ટ દરમ્યાન વિદ્યાર્થીઓને કોલેજોનો પસંદગીક્રમ ભરવાનો સમય અપાયો હતો. મેરિટ જાહેર થયા બાદ ૪૪,૫૮૩માંથી ૪૦,૩૨૩ વિદ્યાર્થીઓએ કોલેજોનો પસંદગીક્રમ ભર્યો હતો. ત્યારબાદ શુક્રવારની મોડી સાંજે વિદ્યાર્થીઓની પસંદગી યાદી જાહેર કરાઈ હતી. જેમાં ૧૪,૯૮૮ વિદ્યાર્થીઓને પ્રવેશની તક અપાઈ છે. જેમાંના ૭,૫૭૦ વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગીની કોલેજ મળી છે.
શુક્રવારે સાંજે પસંદગી યાદી જાહેર થઈ. પરંતુ શનિવારે રક્ષાબંધન અને ત્યારબાદ રવિવારની રજા હોવાથી આ કોર્સના એડમિશન ૧૧ ઑગસ્ટથી શરુ થશે. જોકે વિદ્યાર્થીઓએ ૧૩ ઑગસ્ટ સુધીમાં એડમિશન લઈ લેવાનું રહેશે. ૧૪મીએ ખાલી પડેલી બેઠકોની વિગત જાહેર કરવામાં આવશે, એવું સીઈટી સેલે જણાવ્યું હતું.