Mumbai

પુણેમાં તમામ જોખમી પુલોને તોડી પાડવા તંત્રનો નિર્ણય

By GS TEAM
18 Jun 20252 mins read
પુણેમાં તમામ જોખમી પુલોને તોડી પાડવા તંત્રનો નિર્ણય

ઈન્દ્રાયણી દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું 

જોખમી પુલ પાસેના સાઈનબોર્ડસને લોકો ગણકારતાં નહિ હોવાથી  નિર્ણય

મુંબઇ -  ઈન્દ્રાયણી નદી પરના પુલ તૂટવામાં ચારનાં મોતની ઘટના બાદ પુણે જિલ્લા વહીવટીતંત્રએ જોખમી હોય તેવા તમામ પુલો તોડી પાડવાનો નિર્ણય  કર્યો છે. 

પુણે જિલ્લાના કલેક્ટર જિતેન્દ્ર ડુડીએ કહ્યું કે આ દુર્ઘટનાની નોંધ લઇને અમે જિલ્લામાંના તમામ પુલ હટાવવા અથવા તોડી પાડવાનો નિર્ણય કર્યો છે કારણ કે બેરિકેડસ મૂકવાથી અથવા જોખમીપુલ છે તેવા સાઇનબોર્ડસ પર લોકો ધ્યાન આપતા નથી અને પુલ પર ચડી જઇને પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. અમે એક સરવે હાથ ધરીને આવા પુલોની યાદી બનાવી રહ્યા છે અને પછી કાયમ માટે હટાવી દઇશું.

કુંડમલા  પાસેના બ્રિજના સ્થાને નવા બ્રિજનું ટેન્ડર કેટલાક મહિના અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું અને એક સપ્તાહ અગાઉ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હવે ટુંક સમયમાં બાંધકામ શરૃ થશે તેવું ડુડીએ કહ્યું હતું.

દુર્ઘટના સાઇટ પરનું પોલીસનું શોધ અભિયાન સોમવારે સાંજે બંધ કરાયું હતું. આ અગાઉ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)નું પણ શોધ અભિયાન બંધ કરાયું હતું.

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે લોખંડ અને કોન્ક્રીટથી બનેલા પુલને જોખમી જાહેર કરવામાં આવ્યો હતો અને પુલ પર ચેતવણીસૂચક બોર્ડસ લગાવવામાં આવ્યા હતા. પુણે જિલ્લામાં આવી ૫૦૦ સાઇટસની ઓળખ કરવામાં આવી છે તેવું ફડણવીસે કહ્યું હતું. પીડબલ્યુડી દ્વારા બ્રિજનું નિર્માણ ૩૨ વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું અને મેઇનટેનન્સ માટે પુણે જિલ્લા પરિષદને સોંપવામાં આવ્યો હતો.

પુણે જિલ્લા કલેક્ટર ડુડીએ દુર્ઘટનાની તપાસ કરવા પાંચ સભ્યની સમિતિની રચના કરી હતી જે ૧૫ દિવસમાં અહેવાલ સુપ્રત કરશે.