અભિનેત્રી સંગીતા બિજલાનીના પુણેના ફાર્મ હાઉસમાં તોડફોડ, ચોરી
બારીના કાચ ફૂટેલા, ટીવી સેટ ગાયબ, પલંગ, ફ્રીજ, સીસીટીવીની તોડફોડ
પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ચાર મહિના પછી ફાર્મહાઉસની મુલાકાત લેતાં બનાવની જાણ થઈ
મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી સંગીતા બિજલાનીના પુણે સ્થિત ફાર્મહાઉસમાં તોડફોડ અને કિંમતી સામાનની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ ફાર્મ હાઉસ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પુણેમાં પાવના ડેમ નજીક તિકોના ગામમાં સંગીતા બિજલાનીનું ફાર્મ હાઉસ છે. પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રીએ ચાર મહિના પછી ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. ત્યારે બનાવની જાણ થઈ હતી.
પુણે ગ્રામિણ પોલીસને આપેલી ફરિયાદમાં બિજલાનીએ જણાવ્યું હતું કે ફાર્મ હાઉસમાં મુખ્ય દરવાજા અને બારીની ગ્રીલ તૂટેલી હતી. એક ટિલિવિઝન સેટ પણ ગાયબ હતો. પલંગ, રેફ્રિજરેટર સીસીટીવી સહિત અનેક વસ્તુઓની તોડફોડ કરવામાં આવી હતી.
પુણે ગ્રામિણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંદીપ ગિલને સંબોધિત પોતાની અરજીમાં બિજલાનીએ જણાવ્યું હતું કે તેના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ફાર્મ હાઉસની મુલાકાત લઈ શકી નથી. હું મારી બે નોકરાણી સાથે ફાર્મહાઉસમાં આવી હતી. અહીં પહોંચ્યા પછી મને ખબર પડી કે મુખ્ય દરવાજો તૂટેલો છે. તે જોઈને હું ચોંકી ગઈ અને ગભરાઈ ગઈ હતી. ફાર્મ હાઉસની અંદર પ્રવેશતા મેં જોયું કે બારીની ગ્રીમ તૂટેલી હતી. એક ટેલિવિઝન સેટ ગાયબ હતો અને બીજો તૂટેલો હતો, એમ અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.
તેણે પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો કે ઉપરના માળ પર સંપૂર્ણપણે તોડફોડ કરવામાં
આવી હતી. બધા પલંગ તૂટેલા હતા. ઘણી કિંમતી વસ્તુઓ ગાયબ હતી અથવા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
લોનાવલા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દિનેશ તાયડેએ જણાવ્યું હતું કે પોલીસની એક ટીમને ઘટનાસ્થળનું નિરિક્ષણ કરવા મોકલવામાં આવી હતી.ફાર્મ હાઉસમાં નુકસાન અને ચોરીનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી અમે ગુનો નોંધીશું એમ પોલીસે જણાવ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોરી થોડા અઠવાડિયા પહેલા થઈ હશે. ચોરીનો ચોક્કસ સમય સ્પષ્ટ નથી.
ફાર્મ હાઉસમાં મહિનાઓ સુધી કોઈ માણસ નહોવાથી ચોરોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. અભિનેત્રી સંગીતા બિજલાની બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી હતી.