Mumbai

પર્સનાલિટી રાઈટના રક્ષણ માટે અભિનેતા સુનીલ શેટ્ટી હાઇકોર્ટમાં

By GS TEAM
11 Oct 20252 mins read
પર્સનાલિટી રાઈટના રક્ષણ માટે અભિનેતા સુનીલ શેટ્ટી હાઇકોર્ટમાં

એઆઈના દુરુપયોગથી કોર્ટ પણ ચિંતીત

પરવાનગી વિના પોતાની અને પૌત્રની તસવીરોનો વ્યવસાયિક ઉપયોગ થઈ રહ્યાનો દાવો

મુંબઈ -   અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને દાવો કર્યો છે કે ઘણા સોશિયલ મીડિયા પેજ અને વેબસાઇટ્સ કોઈપણ પરવાનગી વિના તેમના  કર્મશિયલ હેતુથી તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

અભિનેતાએ એક વચગાળાની અરજીમાં કોર્ટને વિનંતી કરી હતી કે આવી બધી વેબસાઇટ્સને તાત્કાલિક તેમના ફોટોગ્રાફ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવે જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાથી રોકી શકાય.

શુક્રવારે જસ્ટિસ આરિફ ડોક્ટરની બેન્ચે શેટ્ટીના વકીલ બિરેન્દ્ર સરાફની દલીલો ટૂંકમાં સાંભળી અને અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો  હતો. 

સરાફે ધ્યાન દોર્યું કે શેટ્ટી અને તેમના પૌત્રની નકલી તસવીરો કેટલીક વેબસાઇટ્સ પર હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાના ફોટાનો કોઈપણ પરવાનગી વિના વ્યાવસાયિક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સરાફે રજૂઆત કરી હતી કે એક રિયલ એસ્ટેટ એજન્સી, જ્યોતિષશાસ્ત્ર  અને જુગાર સાઇટની વેબસાઇટ પર અભિનેતાનો ફોટો પ્રદશત કરવામાં આવ્યો છે, જોકે તે તેમની સાથે સંકળાયેલો નથી.

અભિનેતાએ અરજીમાં દાવો કર્યો હતો કે તેમના વ્યક્તિત્વ અને ફોટા પર તેમનો અધિકાર છે  અને તેમને અધિકાર વિના ઉપયોગમાં લેવાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

કોર્ટે નોંધ કરી હતી કે એઆઈ અને સોશ્યલ મીડિયા પર નિયંત્રણ લવાશે નહીં તો લોકો તેનો કેવો ઉપયોગ કરશે એ વિચારવું ભયાવહ છે.

 તાજેતરમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પણ ડીપફેક વિડિયો જોઈને અમને સાચું હોવાનું લાગ્યું હતું પણ બાદમાં બનાવટી જણાયું હોવાનું કોર્ટે જણાવ્યું હતું.