સંમતિથી જ સંબંધ બાંધ્યા હોવાની કોર્ટમાં દલીલ
લિવ ઈન એગ્રીમેન્ટમાં ભવિષ્યમાં જાતીય સતામણીના આક્ષેપો નહિ કરાય તેવી પણ એક શરતનો ઉલ્લેખ
મુંબઈ: બળાત્કારના આરોપના કેસમાં આરોપી પુરુષને મુંબઈની સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપ્યા છે. આરોપીએ ફરિયાદી મહિલા સાથે સંમતિથી સંબંધ બાંધ્યા હોવાનો પુરાવો રજૂ કરતા તેને જામીન મળ્યા હતા.કોલાબા પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં જાતીય હુમલાના આક્ષેપો પણ સામેલ હતા પણ આરોપીએ લિવ- ઈન રિલેશનશીપનું એગ્રીમેન્ટ રજૂ કરતા કોર્ટે આગોતરા જામીન અરજીને મંજૂરી આપી હતી.
કોર્ટમાં સુનાવણી દરમ્યાન આરોપીએ નોટેરાઈઝડ એગ્રીમેન્ટની નકલ રજૂ કરી હતી. ૧ ઓગસ્ટથી ૩૦ જૂન ૨૦૨૪ સુધીના એગ્રીમેન્ટમાં ૧૧ મહિના સાથે રહેવાનો કરાર કરાયો હતો જેમાં બંને પક્ષકારની સંમતિ હતી. એગ્રીમેન્ટમાં સાત પોઈન્ટસ નોંધવામાં આવ્યા હતા. જેમાંનો એક એવું કહે છે કે સંબંધ એકબીજાની સંમતિથી બાંધવામાં આવ્યો હતો અને જાતીય સતામણીના આક્ષેપો ફરિયાદી કરશે નહીં તેવું લખવામાં આવ્યું હતું.
ફરિયાદી મહિલાએ એગ્રીમેન્ટની અધિકૃતતા (સત્યતા) સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેણે સહી નહીં કરી હતી તેવું કહ્યું હતું. જોકે કોર્ટે કરારને પુરાવા તરીકે ગણ્યું હતું. સંબંધના શરૂઆતના તબક્કામાં દબાણ અથવા બળજબરીના કોઈ સંકેત નથી તેવું એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ)માં નોંધવામાં આવ્યું છે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.
ઓક્ટોબર ૨૦૨૩માં સંબંધ કથિત રીતે શરૂ થયો હતો પણ ફરિયાદ ઘણાં સમય પછી નોંધવામાં આવી હતી. તેવું કોર્ટે કહ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે 'ગુના અને આરોપોનો પ્રકાર જોતા આરોપીની કસ્ટડીમાં પૂછપરછ કરવાની આવશ્યકતા પડશે નહીં. ફરિયાદીએ કરેલ અશ્લીલ વીડિયોના આક્ષેપો સ્પષ્ટ નથી આવા પાસાઓની તપાસમાં સહકાર આપવા આરોપીને કહી શકાય છે. ગુનાનો અને આરોપોનો પ્રકાર જોતા અરજદારને ધરપકડ સામે રક્ષણ આપવું જોઈએ તેવું કોર્ટે કહ્યું હતું.
કોર્ટે જામીનની રકમ રૂ.૨૫,૦૦૦ અને આટલી જ રકમની સ્પોરિટી માગી હતી. આરોપીના એડવોકેટે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. એડવોકેટે કહ્યું કે સંમતિથી સંબંધ બાંધવાનું અને તે પછી પાર્ટનર પર રેપનો આક્ષેપ લગાવવાનું ફરિયાદી ભૂતકાળમાં પણ કરી ચૂકી છે.


