લાલબાગ રાજાના દર્શને વડોદરાથી આવી રહેલા પરિવારનો અકસ્માત

સાત યુવાનોએ દર્શને જવાનું નક્કી કર્યું પણ પહોંચી શક્યા નહીં
ફાઉન્ટન હોટેલ પાસે અકસ્માતગ્રસ્ત ટ્રક સાથે પૂરપાટે આવતી કાર અથડાતાં એકનું મૃત્યુ, પાંચ યુવતી જખમી
મુંબઈ - લાલબાગ રાજાના દર્શન માટે ગુજરાતથી આવેલા એક વાહનનો મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયંકર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં એક વાહનમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને પાંચ યુવતીઓ ગંભીર રીતે જખમી થઈ હતી. રસ્તા પર ઊભેલા ટ્રક સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો.
મુંબઈના લાલબાગ રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પ્રખ્યાત છે. અહીં રાષ્ટ્રીય નેતાઓ અને સેલિબ્રિટીઓની ભીડ રહે છે. આ કારણે આ મંડળની ખ્યાતિ વધી રહી છે. દર વર્ષે લાખો ભક્તો આ મંડળના ગણપતિના દર્શન માટે આવે છે. મુંબઈ અને ગુજરાતના ભક્તો પણ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતના વડોદરા જિલ્લાના ૭ યુવાનોએ લાલબાગ રાજાના દર્શન માટે જવાનું નક્કી કર્યું હતું. તેઓ બુધવારે સવારે ખાનગી વાહનમાં વડોદરાથી નીકળ્યા હતા. ૩૨ વર્ષના ચિરાગ પટેલ કાર ચલાવી રહ્યા હતા જ્યારે ૩૨ વર્ષના મિત્ર હિતેનભાઈ પટેલ તેમની બાજુમાં બેઠા હતા. તેમની પાંચ યુવતી પાછળની સીટ પર બેઠી હતી. જો કે, દર્શન પહેલાં, તેમના વાહનનો એક વિચિત્ર અકસ્માત થયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ફાઉન્ટેન હોટેલની સામે એક ટ્રકનો અકસ્માત થયો હતો. જ્યારે ૫૮ વર્ષના ટ્રક ડ્રાઇવર સૂર્યબલી તિવારીએ અકસ્માતગ્રસ્ત ટ્રકને રસ્તાની બાજુમાં પાર્ક કરવાને બદલે ત્રીજી લેનમાં આડી પાર્ક કરી હતી. તેણે પાકગ લાઇટ કે ઇન્ડિકેટર સિગ્નલ પણ આપ્યો ન હતો. આ દરમિયાન, ગુજરાતથી નીકળેલા યુવાનોનું વાહન સાંજે ૭ વાગ્યાની આસપાસ ફાઉન્ટેન હોટલ નજીક પહોંચ્યું. ઝડપભેર દોડી રહેલા ડ્રાઇવરે ટ્રક જોઈ ન હતી. જ્યારે કાર નજીક આવી ત્યારે તેણે બ્રેક લગાવી હતી. જો કે, ત્યાં સુધીમાં તેમની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અને તેને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા હિતેશ પટેલનું મોત નીપજ્યું હતું. ડ્રાઈવર ચિરાગ પટેલે ઝડપથી દરવાજો ખોલ્યો અને બહાર કૂદી પડયો અને પોતાનો જીવ બચાવ્યો હતો. કારની પાછળની સીટ પર બેઠેલા નિરાલી શર્મા (૨૭), દામિની પ્રજાપતિ (૨૮), જૈવિની રાણા (૨૫), મેઘા શાલેકર (૨૮) અને અનિતા શર્મા (૨૫) ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો..
આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરે ટ્રકને રસ્તા પર ખોટી રીતે પાર્ક કરી હતી. અંધારું હોવા છતાં, તેણે પાકગ સિગ્નલ આપ્યું ન હતું. આ કારણે પાછળથી આવતી કાર ટ્રકને ટક્કર મારી હતી, એમ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર કરોડીવાલે જણાવ્યું હતું. નાયગાંવ પોલીસે નાયગાંવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૬ (૧), ૨૮૧, ૨૮૫, ૧૨૫ (એ) અને ૧૨૫ (બી) હેઠળ ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.









