Get The App

બેન્ક્વેટ હોલમાં બર્થ ડે પાર્ટી વખતે જ એસી બંધઃ વળતર ચૂકવવા રેસ્ટોરાંને આદેશ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
બેન્ક્વેટ હોલમાં બર્થ ડે પાર્ટી વખતે જ એસી બંધઃ વળતર ચૂકવવા રેસ્ટોરાંને આદેશ 1 - image

એસી સુવિધા બૂકિંગનો આવશ્યક ઘટક છેઃ ગ્રાહક પંચ

ઘાટકોપરની મહિલાએ લોઅર પરેલમાં  બૂક કરાવેલા બેન્કવેટ હોલમાં મહેમાનો ગૂંગળામણને કારણે જમ્યા વિના જતા રહ્યા હતા

મુંબઈ -  લોઅર પરેલનાં રેસ્ટોરાંને તેના બેન્કવેટ હોલમાં જન્મદિવસની પાર્ટી વખતે જ એસી બંધ રહેતાં મહેમાનોને ગૂંગળામણ સાથે ભારે ત્રાસના અનુભવ બદલ ક્લાયન્ટને વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નોંધ કરી હતી કે  'એર કન્ડીશનીંગ' સ્થળ બુકિંગનો એક  આવશ્યક ઘટક છે.

આ મહિનાની શરૃઆતમાં,અતિરિક્ત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (ઉપનગરીય) એ રેસ્ટોરાંને તેના બેન્ક્વેટ હોલમાં કાર્યરત એસીના કારણે સેવામાં ખામી બદલ રૃ. ૨૨,૫૫૭ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો, ઉપરાંત ઓગસ્ટ ૨૦૨૪થી વાષક છ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

પંચે રેસ્ટોરાંને ફરિયાદીને માનસિક યાતના માટે ૧૦,૦૦૦ રૃપિયા અને કાનૂની ખર્ચ માટે ૫,૦૦૦ રૃપિયા ચૂકવવા પણ કહ્યું છે.

ઘાટકોપરના રહેવાસી ફરિયાદીએ જુલાઈ ૨૦૨૪ માં એક સંબંધીના જન્મદિવસની પાર્ટી માટે લોઅર પરેલમાં રેસ્ટોરાંનો બેન્ક્વેટ હોલ બુક કરાવ્યો હતો, જેમાં ભોજન અને સેવાઓ માટે રૃ. ૩.૬૩ લાખ ચૂકવ્યા હતા.

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે કાર્યક્રમ દરમિયાન એર કન્ડીશનીંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી, જેના કારણે મહેમાનોને  ગુંગળામણ અને નોંધપાત્ર અગવડતાનો સામનો કરવો પડયો હતો.

મેનેજમેન્ટે પંખા લગાવીને કામચલાઉ વ્યવસ્થા કરી  હતી પરંતુ  તે અપૂરતી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે ઘણા મહેમાનો ભોજન લીધા વિના જ કાર્યક્રમ છોડી ગયા હતા, જેના કારણે  તેમણે ભારે ભોંઠપ અનુભવવી પડી હતી. 

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સ્ટાફના સભ્યોએ સ્વીકાર્યું હતું કે તેમના કાર્યક્રમ પહેલા ઘણા દિવસોથી એસી યુનિટ ખરાબ હતું અને તેનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું ન હતું.

નોટિસ મળવા છતાં રેસ્ટોરાં મેનેજમેન્ટ કમિશન સમક્ષ હાજર ન થતાં કેસ એકતરફી રીતે  ચલાવાયો હતો. 

પ્રમુખ પ્રદીપ કડુ અને સભ્ય ગૌર કાપસેના નેતૃત્વ હેઠળના કમિશન તારવ્યું હતું  કે  ખોરાક અથવા અન્ય સંલગ્ન સેવાઓના સંદર્ભમાં કોઈ ઉણપ સ્થાપિત થઈ નથી.

જોકે, પંચ દ્વારા જણાવાયું હતું  કે,એ નોંધવું અયોગ્ય રહેશે નહીં કે જ્યારે કોઈ ગ્રાહક કૌટુંબિક કાર્યક્રમ માટે બેન્ક્વેટ હોલ બુક કરાવે છે, ત્યારે એર કન્ડીશનીંગ એ સંયુક્ત સેવા પેકેજનો એક આવશ્યક ઘટક છે. 

બૂકિંગ વખતે એર કન્ડીશનીંગ માટેના ચાર્જ અલગથી વસૂલવામાં આવતા ન હતા,  તો પણ સમગ્ર બૂકિંગ કરાવતી વખતે  એર કન્ડીશનીંગ સહિતની તમામ સેવાઓ માટે સંયુક્ત રકમ  જ દર્શાવાઈ હતી એમ  જણાવી પંચે આ રેસ્ટોરાંને ગ્રાહકને વળતર ચૂકવવા જણાવ્યુું હતું. 

રેસ્ટોરાંને આદેશની નકલ મળ્યાના ૪૫ દિવસની અંદર તેનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.