ડેટિંગ એપ દ્વારા ફસાવી મહિલા ડોક્ટરનું જાતીય શોષણઃ બળજબરીથી ગર્ભપાત

ડોંગરીના યુવકે મહિલા ડોક્ટર સાથે પ્રેમનું નાટક રચ્યું
બોયફ્રેન્ડે અન્યત્ર સગાઈ કરી લીધીઃ વિરોધ કર્યો તો અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી
મુંબઇ - અંધેરીની પ્રસિદ્ધ હોસ્પિટલમાં નોકરી કરતી ૨૮ વર્ષીય મહિલા ડોકટરનું ડેટિંગ એપ દ્વારા જાળમાં ફસાવી જાતીય શોષણ કરી બળજબરીથી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. તેના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. આખરે આ પરિસ્થિતિ સહન ન કરી શકતા ડૉકટરે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડોંગરીમાં રહેતા આરોપી યુવક સામે કેસ દાખલ કર્યો છે.
મૂળ કોકણની ૨૮ વર્ષીય મહિલા ડૉકટર અંધેરીની હોસ્પિટલમાં કામ કરે છે તે અભ્યાસ અને કામ માટે મુંબઇમાં એકલી રહે છે. અગાઉ નવી મુંબઇની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં એક બિલ્ડિંગમાં રહેતી હતી. ૨૦૨૩માં મિત્રતા કરવા માટે એક ડેટિંગ એપ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. તે સમયે ડોંગરીમાં રહેતા ખાલિદ (ઉ.વ.૨૭) સાથે તેની ઓળખ થઇ હતી. તેનો કૌટુંબિક વ્યવસાય કાશ્મીરી શાલ વેચવાનો હતો.
ડેંટિંગ એપ દ્વારા મિત્ર બન્યા બાદ ૨૨ ઓકટોબર, ૨૦૨૩ના ખાલિદ તેને મળવા માટે નવી મુંબઇના ઘરે ગયો હતો. ત્યાં બંનેએ સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે ખાલિદે તેના ખાનગી ફોટા લઇ લીધા હતા.
ફરિયાદી ડૉકટર ૧૮ ફેબુ્રઆરી, ૨૦૨૫થી અંધેરીની હોસ્પિટલમાં જોડાઇ હતી. તેને ૨૭ ફેબુ્રઆરીના ખબર પડી કે તે ગર્ભવતી છે. ત્યારે ખાલિદે બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ આપી હતી. તેને ગર્ભપાત કરાવવા માંટે દબાણ કર્યું હતું.
આ ગોળીઓથી તેના સ્વાસ્થ પર અસર પડી હતી. પછી ખાલિદે તેને મળવાનું ટાળતો હતો. ફરિયાદી ખાલિદની ઘરે ગઇ અને તેના વિશે પૂછપરછ કરી હતી ત્યારે ખાલિદે ૧૦ ઓકટોબર ૨૦૨૪ના સગાઇ કરી લીધી હોવાની જાણ થઈ હતી.
આરોપી ખાલિદ પીડિતાને તેના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો આથી ડૉકટરે એમઆઇડીસી પોલીસને મામલાની જાણ કરી હતી.









