બીડમાં કોચિંગ સેન્ટરના બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીનું જાતીય શોષણ

એક શિક્ષક સામે અન્યને ફરિયાદ કરી તો તેણે પણ ગેરલાભ લીધો
વિદ્યાર્થિની પર કપડા ઉતારવા દબાણ લાવી અયોગ્ય સ્પર્શ ઃ, ફોટો- વીડિયો ઉતાર્યાઃ ફરિયાદ બાદ બંને ફરાર
મુંબઇ - બીડ પોલીસે ૧૭ વર્ષની એક વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કરવાના આરોપસર અહીંના એક ખાનગી કોચિંગ સેન્ટરના બે શિક્ષકો સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગુનો નોંધાયો હોવાની જાણ થતા જ આ બંને શિક્ષકો ફરાર થઇ જતા પોલીસે તેમને ઝડપી લેવ ાના પ્રયાસો આદર્યા છે. ગુરુવારે વિદ્યાર્થિનીએ બીડના શિવાજીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૭ વર્ષની કિશોરી સાથે આ ઘટના ૩૦ જુલાઇ, ૨૦૨૪થી પચ્ચીસમી મે, ૨૦૨૫ દરમિયાનના દસ મહિનાના સમયગાળામાં બની હતી. ૧૭ વર્ષની ફરિયાદી વિદ્યાર્થિની જ્યારે ક્લાસમાં એકલી હતી ત્યારે પ્રથમ એકે શિક્ષકે તેને કોઇ નહોતું ત્યારે કોચિંગ સેન્ટરની ઓફિસમાં બોલાવી હતી અને તેને કપડાં ઉતારવા મજબૂર કરી હતી. આ દરમિયાન એક આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીના ફોટા- વીડિયો ઉતારી લીધા હતા અને અડપલા કર્યા હતા. આ બાદ આરોપીએ વિદ્યાર્થિનીને આ વાત કોઇને ન કહેવાની ધમકી આપી અવારનવાર આ કૃત્ય કર્યું હતું.
આ વાતથી ત્રાસી ગયેલી સગીરાએ આ વાતની જાણ અન્ય શિક્ષકને કરી આ ત્રાસમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય શિક્ષકે પણ વિદ્યાર્થિનીની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિદ્યાર્થિનીનું શોષણ કરવાનું શરૃ કર્યું હતું. આ ઘટનાથી વિદ્યાર્થિની નિરાશ થઇ ગઇ હતી. આ રીતે દસ મહિના સુધી શોષણનો ભોગ બન્યા બાદ વિદ્યાર્થિનીએ આ બંને નરાધમોના ત્રાસથી કંટાળી આ વાતની જાણ માતા-પિતાને કરતા અંતે શિવાજીનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ શિવાજીનગર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએલ)ની કલમ ૭૪ (મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરી વિનયભંગ કરવો) ,૭૫ (જાતીય સતામણી) ૭૬ (મહિલા પરહુમલો કરી અથવા બળપ્રયોગ કરી તેના કપડાં ઉતારવા મજબૂર કરવી) ૭૮ (પીછો કરવો) ૩ (૫) (સામાન્ય ઇરાદો) અને પોક્સો કાયદાની કલમો હેઠળ બંને શિક્ષકો સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. જો કે પોતાની સામે ગુનો નોૅંધાયો હોવાની જાણ થતા જ આ બંને નરાધમ શિક્ષકો ફરાર થઇ ગયા હતા. પોલીસે આ બંને શિક્ષકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.








