હજુ ૧૯ જ વર્ષ થયાં છે તેવી સરકારની રજૂઆત
સજાની માફીની ગણતરી હજુ કવેળાની હોવાનું જણાવી સુપ્રીમના એક ચુકાદાના આધારે હાઈકોર્ટનો નિર્ણય
મુંબઇ - ૧૯૯૩ મુંબઇ બોમ્બ બ્લાસ્ટસ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક અબુ સાલેમની અરજી બોમ્બે હાઇકોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. માફીની ગણતરી કર્યા પછી પચ્ચીસ વર્ષની જેલની સજા પૂરી થઇ છે તેવી દલીલ કરી અબુ સાલેમે પ્રિમેચ્યોર રિલીઝ (સજા પૂર્ણ થયા અગાઉ મુક્ત કરવા)ની અરજી કરી હતી. સાલેમે ૧૯ વર્ષ જ પૂરા કર્યા છે તેવી રજૂઆત સરકારે કરી હતી.
બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચે ઓપન કોર્ટમાં ચુકાદો આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે અરજીનો વિરોધ કર્યો હતો. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી સાલેમે ફક્ત ૧૯ વર્ષ, ૫ મહિના અને ૧૮ દિવસ પૂરા કર્યા હતા તેવું ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ સર્વિસિસે રજૂઆત કરી હતી.
લાંબા કાનૂની જંગ પછી ૧૧મી નવેમ્બર, ૨૦૦૫મીએ સાલેમનું પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં સાલેમને ૨૦૧૭માં દોષિત ઠેરવાયા હતા. મુંબઇ કથિત બિલ્ડરની હત્યાના ૧૯૯૫ના કેસમાં સાલેમને ૨૦૧૫માં આજીવન કેદની સજા થઇ હતી. સાલેમ પચ્ચીસ વર્ષની સજા પૂરી કરે તે પછી જ સાલેમને રેમિસન (સજામાં માફી) અંગે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને ભલામણ કરી શકશે તેવું સુપ્રીમ કોર્ટે જુલાઇ ૨૦૨૨માં સ્પષ્ટ કહ્યું હતું.
૧૦મી નવેમ્બર, ૨૦૩૦મીએ સાલેમ પચ્ચીસ વર્ષ પૂરા કરશે તે પછી જ પચ્ચીસ વર્ષથી વધુ સજા નહીની સરકારની ખાત્રી લાગુ પડશે. તેવું કેન્દ્રીય ગૃહ મંત્રાલય વતી એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું હતું.
૨૬મી માર્ચે સુનાવણી પૂરી થઇ હતી તે પછી ઓર્ડર બાકી રાખ્યો હતો જે બુધવારે ૧૫મી એપ્રિલે અપાયો છે. સુપ્રીમ કોર્ટે એક ઓર્ડરમાં કહ્યું હતું કે કેદીના રેમિસન (સજાની માફી)ની ગણતરી સજા પૂરી થવાની તારીખના લગભગ ૩૦ દિવસ અગાઉથી શરૃ થવી જોઇએ અને હાઇકોર્ટે આ આધારે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે રેમિસનના મુદ્દે આ તબક્કા પર કંઇ પણ કહેવું પ્રિમેચ્યોર (સમયથી વહેલુ) થઇ પડશે આથી આ પીટિશન ફગાવવામાં આવે છે.


