ભાઈનાં મૃત્યુ બાદ ૧૪ દિવસના પેરોલ માગ્યા હતા
સાલેમને પોલીસ પહેરા હેઠળ જ પેરોલ મળશે અને પોલીસ બંદોબસ્તનો ખર્ચો પણ તેણે ઉપાડવો પડશે
મુંબઈ - ૧૯૯૩ના બોમ્બ ધડાકાના કેસમાં કસૂરવાર ઠરેલો ગેન્ગસ્ટર અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે અને આથી તેને બે જ દિવસના તાકીદના પેરોલ એ પણ પોલીસ રક્ષણ સાથે આપી શકાય છે એમ મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું.
સાલેમે મોટા ભાઈના અવસાન થવા પર ૧૪ દિવસના પેરોલની માગણી કરી હતી. સરકારી વકીલે ઉક્ત બાબત કોર્ટના ધ્યાનમાં લાવી હતી. પોલીસ રક્ષણનો ખર્ચો તેણે ઉપાડવો પડશે, એમ પણ જણાવાયું હતું.
સાલેમના વકીલે દલીલ કરી હતી કે તેણે ઉત્તર પ્રદેશ આઝમગઢ જવું પડે તેમ હોવાથી બે દિવસ પુરતા નથી. પોલીસ એસ્કોર્ટની પણ જરૃર નથી કેમ કે બે દાયકાથી વધુ સમયથી જેલમાં છે અને તાકીદના પેરોલ માગી રહ્યો છે અને સાલેમ ભારતીય નાગરિક છે.
સાલેમને ૧૪ દિવસના પેરોલ આપવામાં સરકારની દલીલ સોગંદનામામાં રજૂ કરવાનો નિર્દેશ આપીને આગામી સપ્તાહે સુનાવણી રાખી છે.
ડિસેમ્બર ૨૦૨૫ની અરજીમાં સાલેમે જણાવ્યું હતંં કે ગયા વર્ષે નવેમ્બરમાં તેનો મોટો ભાઈ અબુ હકીમ અન્સારી અવસાન પામ્યો હતો અને નાતાલનું વેકેશન હોવાથી સાલેમની પેરોલની અરજી પર સુનાવણી વિલંબમાં પડી હતી.


