બળાત્કારના કેસમાં જેલમાં ધકેલાયેલા યુવકને હવે ફરિયાદી યુવતી સાથે લગ્ન માટે જામીન

યુવકને જેલમાં મોકલાવ્યા બાદ યુવતીએ લગ્ન માટે સંમતિ આપી
અદાલતે યુવકને લગ્ન માટે ચાર દિવસના જામીન આપ્યાઃ લગ્નના ૩ દિવસ બાદ ફરી પોલીસ સમક્ષ હાજર થઈ જેલમાં જતો રહેશે
પવઈની ૨૦ વર્ષની યુવતીએ મીરા રોડના નયા નગર પોલીસ મથકે જિશાન મેરાજ અહેમદ સિદ્દિકી નામના યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર ૨૦૨૪માં યુપીમાં તેના ગામમાં સંબંધીઓ મારફતે બંનેનો પરિચય થયો હતો. બાદમાં મુંબઈમાં યુવક અવારનવાર તેને કોલેજ પર મળવા આવતો હતો.
ઓગસ્ટ, ૨૦૨૪માં તે યુવતીને મીરા રોડમાં બાગડેકર કોલેજ પાસે રહેતી તેની બહેન હીનાના ઘરે લઇ ગયો હતો . જ્યાં કથિત રીતે બેહોશીની દવા ધરાવતું દૂધ પીધા બાદ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાના દાવા અનુસાર જિશાને હીનાના ઘરે અને બાદમાં થાણેની એક હોટલમાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું વચન આપ્યું હતું. જોકે, બાદમાં તેણે પીડિતા સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. યુવાનના પરિવારે પણ લગ્ન પ્રસ્તાવ જ ફગાવી દીધો હતો. જેથી પીડિતાએ ફેબુ્રઆરી ૨૦૨૪થી ઓકટોબર ૨૦૨૫ સુધી તેની સાથે બનેલી ઘટનાને લઇ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જિશાન સાથે તેની બહેન હીનાને પણ ગુનામાં મદદગારી માટે આરોપી દર્શાવાયી હતી. જિશાને દાવો કર્યો હતો કે તેમની વચ્ચેના સંબંધો સહમતિથી બંધાયા હતા.
દરમિયાન ગત ૨૧ નવેમ્બરે આ કેસમાં યુ ટર્ન રુપે બંને પક્ષોએ થાણેની વિશેષ કોર્ટના જજ ડી આર દેશપાંડે સમક્ષ એક પુર્શિશ રજૂ કરી હતી જેમાં જણાવાયું હતું કે ફરિયાદી યુવતી અને આરોપી યુવક હવે લગ્ન કરવા ઈચ્છે છે. તેને પગલે અદાલતે તા. ૨૩થી ૨૭ નવેમ્બર એમ ચાર દિવસના જામીન મંજૂર કર્યા હતા. અદાલતે નોંધ્યું હતું કે બંને વચ્ચે નિકાહ પચ્ચીસમી નવેમ્બરે નક્કી થયા છે. જામીનની શરતો રુપે જિશાને પચ્ચીસ હજારના બોન્ડ ભરવા પડશે અને પોલીસને નિકાલ વિધિનાં સ્થળ વગેરેની વિગતો ટાળવી પડશે. નિકાહ બાદ તા. ૨૮મી નવેમ્બરે ફરી તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.








