ગિરગામના રહીશ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા
મુલુંડનો યુવક પોતાનો બર્થ ડે હોવાથી કફ પરેડ રહેતી ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતોઃ સિગ્નલ તોડયા બાદ અકસ્માત
મુંબઈ - દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પર સોમવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ૧૯ વર્ષીય મોટરસાયકલ ચાલક તેની બાઈક પાછળ બેઠેલી યુવતી અને ૬૬ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.યુવકનો જન્મદિવસ હતો અને ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો.મોનગ વોક કરવા ગયેલા વૃદ્ધને બાઇકે ટક્કર મારતા ભીષણ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
એક અધિકારીએ કહ્યું હતું કે આ અકસ્માત સવારે ૫-૪૦ વાગ્યે એનએસ રોડ પર પારસી જીમખાના જંક્શન સિગ્નલ પર થયો હતો. ગિરગામમાં રહેતા ૬૬ વર્ષીય કિશોર પાંડુરગ લામને તેમની રોજિંદી દિનચર્ચા મુજબ મરીન ડ્રાઈવ પર મોર્નિંગ વોક માટે આવ્યા હતા. બીજી તરફ મુલુંડનો બાઈક ચાલક ૧૯ વર્ષનો કૃષ્ણ ઉદય દેસાઈ પોતાના જન્મદિવસ નિમિત્તે કફ પરેડમાં રહેતી ૧૮ વર્ષીય ગર્લફ્રેન્ડ મુસ્કાન અલી શેખને મળવા ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર કૃષ્ણ દેસાઈ બાઈક ચલાવી રહ્યો હતો. મુસ્કાન તેની પાછળ બેઠી હતી. સ્પીડમાં બાઈક ચલાવી રહેલા કૃષ્ણ દેસાઈએ સિગ્નલ તોડયું હતું અને તે જ વખતે રસ્તો ક્રોસ કરી રહેલા કિશોર લામનેને અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ બાઇક પર સવાર યુવક અને યુવતી પણ નીચે પડી ગયા હતા. ત્રણેય ઘાયલોને ે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરી બનાવની માહિતી આપી હતી.
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકના વ્હીલ, સાયલેન્સર અને ચેસિસ ઉખડી ગયા હતા. બાઇક સવાર કદાચ રાત્રિના સમયથી જ ઘરની બહાર હોવાનું પણ અનુમાન છે.
અધિકારીએ જણાવ્યું હતું કે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.


