Mumbai

સોલાપુરમાં ડીજેના તાલે નાચતા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

By GS TEAM
6 Aug 20251 min read
સોલાપુરમાં ડીજેના તાલે નાચતા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

ડીજે વખતે નાચતાં મૃત્યુનો વધુ એક કિસ્સો

નાચતા-નાચતા અચાનક જમીન પર બેસી ગયો અને ફસડાઈ પડયો

મુંબઈ -  સોલાપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ડીજેના તાલે નાચતા એક યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. મૃતક યુવાન અભિષેક બિરાજદાર મિત્રો સાથે ડીજેના સંગીતમાં નાચી રહ્યો હતો. બિરાજદાર ત્યાર બાદ અસ્વસ્થ બની ગયો હતો અને નાચતા-નાચતા નીચે બેસી ગયો હતો અને કોઈ કાંઈ સમજે તે પહેલા જ પડી ફસડાઈ પડયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

આ ઘટના બાદ સોલાપુરના ફૌજદાર ચાવડી પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ ઘટના બાદ ફરીથી કર્ણ-કર્કશ ડીજેના મ્યુઝિકને લીધે યુવાનને હાર્ટએટેક આવ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે.

આ બાબતનો એક વીડિયો પણ બહુ મોટાપાયે વાયરલ થયો છે. આ ઘટના બાદ કર્કશ અને કાન ફાડી નાખે તેવા અવાજમાં ચાલતા ડીજેનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડયો છે. આ પહેલા ગયા વર્ષે મહારાષ્ટ્રમાં બનેલી આવી જ વિવિધ ઘટનાઓમાં ડીજેના કાન ફાડી નાખે તેવા અવાજમાં ડીજે પર ઝૂમતા યુવાનોના મોતની ઘટનાઓ બની છે.