Mumbai

વીજેટીઆઈના એક વિદ્યાર્થીને વાર્ષિક 72 લાખનું પેકેજ મળ્યું

By GS TEAM
31 Oct 20251 min read
વીજેટીઆઈના એક વિદ્યાર્થીને વાર્ષિક 72 લાખનું પેકેજ મળ્યું

ગયાં વર્ષે મહત્તમ ૫૭ લાખનું પેકેજ મળ્યું હતું

કંપનીઓમાં પેકેજ ઊંચા મળી રહ્યાં છે, પરંતુ ભરતીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો

મુંબઇ -  વીજેટીઆઈના ૨૦૨૫-૨૬ના બેચના એક વિદ્યાર્થીને અમેરિકન કંપની થકી ૭૨.૩ લાખનું રેકોર્ડ પેકેજ મળ્યું છે. જે ગયા વર્ષની તુલનાએ વધુ છે. ગયા વર્ષે સર્વોચ્ચ ઓફર ૫૭ લાખ રુપિયાની હતી. કૉલેજના અન્ય ત્રણ વિદ્યાર્થીઓને ગુગલ તરફથી ૫૪ લાખ રુપિયાની ઓફર મળી છે.

દરમ્યાન આઈઆઈટી સિવાય શહેરની અન્ય એન્જિનીયરીંગ કોલેજોના વિદ્યાર્થીઓ પણ વાર્ષિક ૨૦ થી ૫૦ લાખ રુપિયા સુધીના પેકેજ મેળવી રહ્યા છે. ટોચની વાર્ષિક ઓફર ગયા વર્ષની સરખામણીમાં કે તેથી વધુ રહી હોવા છતાં સંસ્થાઓ સ્વીકારે છે કે, ખાસ કરી આઈટી ક્ષેત્રમાં એકંદર ભરતીનું પ્રમાણ ધીમું પડયું છે. કંપનીઓ ભરતી પ્રક્રિયાઓમાં પણ ખૂબ ચકાસી ચકાસીને લોકોને લઈ રહી છે. તેઓનું માનવું છે કે, ખૂબ ઓછાં વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતાં હોવાથી અગ્રણી કંપનીઓમાં મોટા પાયે ભરતીમાં ઘટાડો થયો છે.

આ સંદર્ભે શહેરની નામાંકિત કોલેજોના પ્રાધ્યાપકો સાથે વાત કરતાં જણાયું કે, ભરતીના પ્રમાણમાં ઘીમો ઘટાડો થઈ રહ્યો છે. તેની પાછળ એઆઈ, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક બાબતો કારણભૂત છે. પરંતુ પહેલાં લોકોને જે ઝડપે નોકરી મળતી અત્યારે તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું નથી.