ફેસબૂક પર મળેલા માનેલા ભાઈએ વૃદ્ધાને વાતોમાં ફસાવી 11 લાખ પડાવ્યા

રિલેશન બ્યુરો નામની જાહેરાત દ્વારા નવતર સાયબર ફ્રોડ
પોતે ભારત આવ્યો છે અને દિલ્હી એરપોર્ટ પર કસ્ટમે પૈસા જપ્ત કરી લીધા છે તેવો ફોન કર્યો, બાદમાં કસ્ટમ અધિકારીના સ્વાંગંમાં ટ્રાન્ઝેક્શન્સ કરાવ્યાં
મુંબઈ - એન્ટોપ હિલની વૃદ્ધા પાસેથી ફેસબૂક પર મળેલા ભાઈએ ૧૧ લાખ રુપિયા પડાવી લેતાં આ વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરદેશ રહેતા મિત્ર દ્વારા ગિફ્ટ મોકલી તેની પ્રોસેસિંગ ફી તથા કસ્ટમના ચાર્જીસ પેટે પૈસા પડાવવામાંઆવે છે તે જ પ્રકારનાં આ ફ્રોડમાં વૃદ્ધા પાસેથી ગઠિયાએ ભાઈનો સ્વાંગ ધરી પૈસા પડાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, પતિ એક શિપિંગ કંપનીમાં કામ કરતા હોવાથી એકલતા અનુભવતી વૃદ્ધાએ ૧૯ એપ્રિલે ફેસબુક રિલેશનશિપ બ્યુરો નામની એક જાહેરાત જોઈ હતી. જેમાં ભાઈ અને બહેન તરીકે જોડાવા માંગો છો? વિદેશમાં રહેતા ઉદ્યોગપતિઓ તમારી રાહ જોઈ રહ્યા છે.તેવો દાવો જાહેરાતમાં કરવામાં આવ્યો હતો. આ જાહેરાતથી આકર્ષિત થઈને વૃદ્ધાએ તેના પર ક્લિક કર્યું હતું.
સૂરજ સિંહ નામનો એક વ્યક્તિ તેમના પરિચયમાં આવ્યો હતો. તેણે પોતે લંડનમાં બિઝનેસમેન હોવાનો દાવો કર્યો હતો. તેણે આ વૃદ્ધાને પોતે બહેન સમાન ગણે છે તેવી મીઠી મીઠી વાતો કરી ભોળવ્યાં હતાં.
દરમિયાન, એક દિવસ આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તે તેમને મળવા માટે લંડનથી ભારત આવી રહ્યો છે. આ વાતથી વૃદ્ધા બહુ ખુશ થયા હતા કે તેનો ભાઈ ઘરે આવી રહ્યો છે. તેથી ઘરમાં વિવિધ પ્રકારની તૈયારી પણ ચાલુ કરી દીધી હતી.
જો કે, પચ્ચીસમી એપ્રિલના રોજ સૂરજે ફોન કરીને જણાવ્યું હતું કે તે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો છે. પરંતુ કસ્ટમ અધિકારીઓએ મોટી રકમનું વિદેશી ચલણ જપ્ત કરી લીધું છે. તેથી તેને છોડવવા માટે આર્થિક સહાયની મદદ માંગી હતી. આ બાદ થોડી જ વારમાં એક બીજો ફોન કસ્ટમ અધિકારી હોવાનો દાવો કરનારનો આવ્યો હતો. જેમાં જપ્ત કરાયેલ ડોલર માટે કસ્ટમ ડયુટી ફીની ચૂકવણી માટે જણાવવામાં આવ્યું હતું. આ બાદ એક બેંક અધિકારીએ ફરિયાદીને સંપર્ક કરીને જીએસટી, ટેક્સ, કસ્ટમ ફી જેવા ઘણા કારણો આપીને ૧૩૭ વ્યવહારો કરાવીને તેમની પાસેથી ૧૦.૮૭ લાખ પડાવી લીધા હતા.
જો કે, આ ચૂકવણી બાદ પણ વધુ પૈસાની માંગણી કરવામાં આવતા વૃદ્ધાને શંકા ગઈ હતી. જેથી તેમણે તેમના પૈસા પાછો માંગવાનું શરુ કર્યું હતું. જો કે, આ સમયે આરોપીએ ફોન બંધ કરી દીધો હતો. આ બાદ વૃદ્ધાએ તેના માનેલા ભાઈ સૂરજનને સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો મોબાઈલ ફોન પર બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ બાબતને કારણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.








