મુકેશ અંબાણીને ધમકીભર્યો મેસેજ તિહારની જેલમાંથી મોકલવામાં આવ્યો હતો
જેલની બરાકમાં 15 જણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની શક્યતા
મુંબઈ : દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક સ્ફોટક ભરેલી ગાડી રાખવાની જવાબદારી સ્વિકારવાનો અને ધમકીભર્યો ટેલિગ્રામ મેસેજ તિહાર જેલમાંથી કરાયો હોવાનું તપાસમાં માલૂમ પડયું છે. અંબાણીને ખંડણી માટે અપાયેલી બિટકોઈનની લિંક બનાવટી હોવાનું જણાયું હતું.
ગત મહિને મુકેશ અંબાણીના નિવાસ સ્થાન 'એટિલિયા' ઈમારત નજીક એસયુવીમાં જીલેટીન સ્ટીકો, ધમકી ભર્યો પત્ર, ગાડીની બનાવટી નંબર પ્લેટો મળી હતી. જેને લીધે ખળભલાટ મચી ગયો હતો. ત્યારબાદ ટેલિગ્રામ મેસેજ દ્વારા આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-હિંદે વિસ્ફોટકો રાખ્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત અંબાણીને ફરી ધમકી આપી ખંડણી માગવામાં આવી હતી.
એસયુવીમાં સ્ફોટક રાખનારા આતંકવાદી સુરક્ષિત પણે પાછા ઘરે પહોંચી ગયા હોવાનો દાવો આ આતંકવાદી સંગઠને કર્યો હતો.
'આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે, એવું મેસેજમાં જણાવવામાં આવ્યું હતું. મેસેજ દ્વારા અંબાણી પાસે પૈસાની માંગણી કરાય હતી. અંબાણી આ માગણી પૂરી નહી કરે તો તેના પુત્રની કાર પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. તમને શું કરવાનું છે એની તમને કલ્પના છે, તમને જણાવવામાં આવેલી રકમ અમને આપો એવું મેસેજમાં કહ્યું હતું.
જો કે બાદમાં વધુ એક મેસેજ દ્વારા જૈશ-ઉલ-હિંદે આ ગુનામાં સામેલ ન હોવાનું કહ્યું હતું.
આ ટેલિગ્રામ મેસેજની તપાસ કરાતા તે દિલ્હીની તિહાર જેલમાંથી કરવામાં આવ્યો હોવાની ખબર પડી હતી. આ બાબતની દિલ્હી પોલસને જાણ કરવામાં આવી હતી.
તિહાર જેલની આ બરાકમાં જૈશ-એ-મોહમ્મદ, ઈસિસ, ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી અને અન્ય આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. આ આતંકવાદીમાંથી કોઈએ અંબાણીને ધમકી આપી હતી કે કેમ એની તપાસ થઈ રહી છે.
અંબાણીના ઘર પાસેના વિસ્ફોટકના મામલાની તપાસ શરૃઆતમાં ક્રાઈમ બ્રાન્ચ કરતી હતી. વિસ્ફોટક રાખવામાં આવેલી ગાડીના માલિકના મોત બાદ તપાસ એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ) અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કરી રહી છે.