શિક્ષણ મૂળભૂત અધિકાર, કોઈપણ સંજોગોમાં ન છિનવાય
લઘુમતી શિક્ષણ સંસ્થા હોવા છતાં માન્યતાની શરત તરીકે આરટીઈમાંથી મુક્તિનું બહાનું કાઢી શકાય નહિ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ૧૩ વર્ષીય વિદ્યાર્થીને ફક્ત ફી બાકી હોવાને કારણે શાળામાંથી કાઢી શકાય નહીં અને છ થી ૧૪ વર્ષના બાળકોના શિક્ષણનો મૂળભૂત અધિકાર કોઈ પણ સંજોગોમાં છીનવી શકાય નહીં.
ભંડારા સ્થિત શાળાના ધોરણ સાતના વિદ્યાર્થીને રૃ. ૨૩૯૦૦ની ફી બાકી હોવાથી શિક્ષણ પ્રમાણપત્રને રદ કર્યું હતું. કોર્ટે ઠેરવ્યું હતું કે શિક્ષણના ે અધિકાર બંધારણની કલમ ૨૧એ અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર કાયદા હેઠળ સુરક્ષીત છે આથી શાળાનો નિર્ણય ગેરકાયદે છે.
શાળાએ ફી નહીં ભર્યાનો હવાલો આપીને ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ વિદ્યાર્થીને શાળા છોડવાનું પ્રમાણપત્ર જારી કર્યું અને તેને કાઢી મૂક્યો હતો. બાદમાં તેના પિતાએ હાઈકોર્ટમાં ધા નાખી હતી.
શાળા પ્રશાસને દલીલ કરી હતી કે સંસ્થા સીબીએસઈ સાથે સંગલ્ન અને લઘુમતી સંસ્થા હોવાથી આરટીઈનો કાયદો તેને લાગુ પડતો નથી. કોર્ટે દલીલ ફગાવીને જણાવ્યું હતું કે સરકાર પાસેથી માન્યતા મેળવતી વખતે શાળાએ સંબંધીત નિયમોનુ પાલન કરવાની શરત સ્વીકારી હતી તેથી આરટીઈના માળખામાંથી બહાર નીકળી શકે નહીં.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે શાળા મેનેજમેન્ટ મોડી ચૂકવણી માટે લેટ ફી અથવા દંડાત્મક વ્યાજ વસૂલી શકે છે, પણ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તે પહેલાં વિદ્યાર્થીને કાઢી મૂકે એ કાયદાથી વિરુદ્ધ છે.મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થા (ફી નિયમન) કાયદાની કલમ ૩ (એ) ફી નહીં ચૂકવવા બદલ હકાલપટ્ટી કરી શકે નહીં.


