Get The App

વૈવાહિક મતભેદો હોવાને લીધે જીવનસાથી સામે દુષ્પ્રેરણાનો આરોપ લાગી શકે નહીં

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
વૈવાહિક મતભેદો હોવાને લીધે જીવનસાથી સામે દુષ્પ્રેરણાનો આરોપ લાગી શકે નહીં 1 - image

પતિના આપઘાત માટે પત્ની સામેનો કેસ  રદ

જીવનસાથીને જીવનનો અંત લાવવા આરોપીએ સીધી ઉશ્કેરણી કરી હોવાનું પુરવાર થવું પણ જરૃરી

પતિ પત્ની વચ્ચે વૈવાહિક મતભેદ હતા તે કારણથી જીવનસાથી પર અન્ય જીવનસાથીના આપઘાતની દુષ્પ્રેરણાના આરોપી બનાવી નહીં શકાય તેવું બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું કે પોતાના પતિના આપઘાતની દુષ્પ્રેરણાના આરોપનો કેસ હાઈકોર્ટે ફગાવી દીધો હતો.

 વૈવાહિક જીવનમાં મતભેદો હોવા સામાન્ય છે અને મતભેદો હતા તે એકમાત્ર કારણથી જીવનસાથીના આપઘાત માટે અન્ય જીવનસાથીને જવાબદાર ન કહી શકાય તેવું બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું છે. જીવનસાથીને જીવનનો અંત લાવવા આરોપીએ સીધી ઉશ્કેરણી કરી હતી તેવું જરૃરી છે.

જસ્ટિસ ઉર્મિલા જોશી- ફાલકેની બેન્ચે કહ્યું કે આ કેસમાં પતિ અને પત્ની બંનેએ દુર્વ્યવહારના આક્ષેપો એકબીજા સામે કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે 'ગુનાહિત ઈરાદાઓ હોય ત્યાં સુધી એમ દર્શાવી નહીં શકાય કે મહિલા પતિના મૃત્યુ માટે જવાબદાર હતી.'

દુષ્પ્રેરણાનો ગુનો કોઈ સામે નોંધાવવા હોય તો આરોપીએ આપઘાતમાં ભૂમિકા ભજવી હતી અથવા તેને પોતાનું જીવન ટુંકાવવા પ્રોત્સાહન આપ્યું હતું અથવા અન્ય સાથે કાવતરું ઘડીને તે વ્યક્તિને આપઘાત કરવા મજબૂર કર્યો હતો તેવું ફરિયાદ પક્ષે સાબિત કરવું પડે તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.

કોઈપણ જીવનસાથીએ ગુસ્સામાં શબ્દો ઉચ્ચાર્યા હોય તો દુષ્પ્રેરણાના ગુના માટે પર્યાપ્ત નથી તેવું બેન્ચે કહ્યું હતું. ૨૦૧૯માં અમરાવતીમાં એક પુરુષે ટ્રેન સામે કથિત રીતે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ પત્ની સામે સતામણીનો અને આપઘાતમાં દુષ્પ્રેરણા સંબંધી જોગવાઈઓના આધારે કેસ કર્યો હતો.

મૃતક પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે તેના મૃત્યુ પછી કોઈને જવાબદાર ગણવો નહીં. દંપતિએ ડિસેમ્બર ૧૯૯૬માં લગ્ન કર્યા હતા. નવેમ્બર ૨૦૧૯માં પતિએ આપઘાત કર્યો હતો તે પછી તેના માતાપિતાએ મહિલા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરી હતી.

ઉશ્કેરણી કરી હોય તેવા કોઈ સીધા અથવા આડકતરા કૃત્યો ન હતા તેવું કહીને હાઈકોર્ટે અરજદાર સામેની કાર્યવાહીને રદ કરી હતી.