થાણેના સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ડેટિંગ ફ્રોડમાં 6.33 લાખ ગુમાવ્યા
મુંબઇ
થાણેમાં રહેતા ૪૮ વર્ષના એક આધેડ સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ડેટિંગ ફ્રોડમાં ૬.૩૩ લાખ રૂપિયા ગુમાવ્યા હતા, તેવું પોલીસે જણાવ્યું હતું. આ સંદર્ભે પોલીસે આપેલી વધુ વિગતાનુસાર આ વર્ષના ૨૪ મેના રોજ આ વ્યક્તિને તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઓનલાઇન ડેટિંગની સુવિધા પૂરી પાડવા બાબતે જણાવ્યું હતું.
આ વ્યક્તિએ જ્યારે આપેલ નંબર પર સંપર્ક કર્યો ત્યારે સામેની વ્યક્તિએ તેનું નામ દિપક હોવાનું જણાવી ઓનલાઇન ડેટિંગ માટે પ્રથમ તેનું ઓનલાઇન પ્રોફાઇલ બનાવવું પડશે તેવું જણાવી ૩૮,૨૦૦ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ આરોપીએ અલગ-અલગ સમયે વિવિધ કારણો દર્શાવી ભોગ બનનાર પાસેથી ૬.૩૩ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણે અંતે થાણેના ચિતળસર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ હાલ આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે, પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.